8 એપ્રિલ, પીએમ મુદ્રા યોજનાના 10 વર્ષ: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹ 70 હજાર કરોડની લોન આપવામાં આવી



યોજના અંતર્ગત લોન આપવામાં ચાર વર્ષમાં 74%નો વધારો, વર્ષ 2020-21માં ₹11 હજાર કરોડ સામે વર્ષ 2023-24માં ₹19 હજાર કરોડથી વધુની લોન મંજૂર
દસ વર્ષમાં દેશભરમાં ₹33 લાખ કરોડથી વધુની ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી: વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝન પ્રમાણે મુદ્રા યોજના આત્મનિર્ભરતા અને આત્મગૌરવનું પ્રતીક બની ગઇ છે
ગાંધીનગર, 8 એપ્રિલ 2025: દેશના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને કોઈ પણ અવરોધ વિના સંસ્થાકીય લોન મળી રહે તે હેતુથી 8 એપ્રિલ 2015ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પીએમ મુદ્રા યોજના જાહેર કરવામાં આવી હતી. આ યોજનાનો હેતુ નાના વેપારીઓ, નવા સ્ટાર્ટઅપ્સ અને દેશના યુવાનોને તેમના વ્યવસાય માટે લોન પૂરી પાડવાનો છે. ગુજરાતમાં આ યોજનાની વ્યાપકપણે અમલવારી કરવામાં આવી છે. વર્ષ 2020-21 થી 2024-25 (નવેમ્બર 2024) સુધીના ગાળામાં કુલ ₹70051 કરોડ રૂપિયાની લોન પ્રદાન કરવામાં આવી છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે પીએમ મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે એક સંવાદમાં જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં મુદ્રા યોજના હેઠળ ₹33 લાખ કરોડથી વધુની ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી છે અને સામાજિક સમાવેશ અને આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરી છે. 2024 સુધીમાં ખાતાની સંખ્યા 1.95 કરોડ થઇ
આ યોજનાની સફળતા આંકડાઓથી સ્પષ્ટ થાય છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત વર્ષ 2020-21માં 1.42 કરોડ ખાતા ખોલવામાં આવ્યા હતા જેની સંખ્યા વર્ષ 2023-24 સુધીમાં 1.95 કરોડ સુધી પહોંચી છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં 80.5 લાખ ખાતા ખોલવામાં આવ્યા છે. ચાર વર્ષમાં લોન આપવામાં 74 ટકાનો વધારો


પીએમ મુદ્રા યોજના અંતર્ગત ગુજરાતમાં વર્ષ 2020-21માં ₹11,239 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી જે વર્ષ 2023-24માં વધીને ₹19,607 કરોડ થઇ ગઇ છે. આ રીતે ચાર વર્ષમાં લોન ફાળવણીની રકમમાં 74 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024-25 માટે નવેમ્બર 2024 સુધીમાં ₹9,708 કરોડની લોન આપવામાં આવી છે.

દસ વર્ષમાં દેશમાં 11.10 કરોડ નોકરીઓનું સર્જન
પીએમ મુદ્રા યોજનાની દેશમા થયેલી અસરના મૂલ્યાંકન અંગે નીતિ આયોગના રિપોર્ટ અનુસાર પીએમ મુદ્રા યોજના શરૂ થયા બાદ દસ વર્ષના સમયગાળામાં દેશમાં કુલ 11.10 કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આ નોકરીઓમાંથી 47 ટકા નોકરીઓનો ફાયદો એસ.સી, એસ.ટી અને ઓબીસી સમાજના નાગરિકોને થયો છે. મોટાભાગની નોકરીઓનું સર્જન ઉત્પાદન, ટ્રેડિંગ અને સર્વિસ ક્ષેત્રમાં થયું છે.

શું છે પીએમ મુદ્રા યોજના?
દેશના નાગરિકોને પોતાના વ્યવસાય માટે કોઈ પણ પ્રકારની ગેરંટી વિના સરળતાથી લોન મળી શકે તે હેતુથી એપ્રિલ 2015માં પીએમ મુદ્રા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત લાભાર્થીઓને ત્રણ શ્રેણીમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓના માધ્યમથી લોન આપવામાં આવે છે. જેમાં શિશુ શ્રેણીમાં ₹ 50 હજાર, કિશોર શ્રેણીમાં ₹ 50 હજારથી 5 લાખ, તરુણ શ્રેણીમાં ₹ 5 લાખથી 10 લાખ અને તરુણ પ્લસ શ્રેણીમાં ₹ 10 લાખથી 20 લાખ સુધીની લોન પ્રદાન કરવામાં આવે છે. ગુજરાતમાં બહોળી સંખ્યામાં નાના વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સે આ યોજનાનો લાભ લઇને આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી છે.

બ્રેકીંગ ન્યૂઝ