સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત એનએસજી દ્વારા ભારતની વિશાળ કાર રેલીનું અમદાવાદમાં સ્વાગત
નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)ને સુદર્શન ભારત પરિક્રમા અંતર્ગત "ભારતની વિશાળ કાર રેલી"નું આયોજન કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જે અંતર્ગત બીજી ઓક્ટોબરના રોજ દિલ્હીથી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આ રેલીને પ્રસ્થાન કરાવી હતી. જુદા જુદા રાજ્યોમાં ફરીને બ્લેક કેટ કાર રેલી બુધવારના રોજ અમદાવાદ ખાતે આવી પહોંચી હતી. મેઘાણીનગરમાં આવેલા એનએસજીના હબ ખાતે કાર રેલીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રેલીનો ઉદ્દેશ આઝાદી કા અમૃત મહોત્સવ’ તરીકે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરવી, અખંડ ભાઈચારા અને દેશભક્તિના સંદેશ સાથે આઝાદીની લડતના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે વાર્તાલાપ કરવો અને દેશવાસીઓમાં દેશભક્તિ અને ભાઈચારાની ભાવનાને ફરી જાગૃત કરવાનો છે. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સાથે આ રેલી 12 રાજ્યોના 18 શહેરોમાંથી પસાર થઈ છે. આઝાદીનાં 75 વર્ષ નિમિત્તે 7500 કિલોમીટરની આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ આવી પહોંચેલી રેલીનું નિવૃત્ત એનએસજીના ડાયરેક્ટર જનરલ એ. કે. સીંગે સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ દેશની શાન છે. મને ગર્વ છે કે એનએસજીને નેતૃત્વ કરવાની તક મળી હતી. કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનએસજીના કમાન્ડો તૈયાર હોય છે અને તે દેશનું સર્વશ્રેષ્ઠ આંતકવાદ વિરોધી દળ છેગુજરાત એનએસજીના ગ્રુપ કમાન્ડર જયરામ સિંઘે જણાવ્યું હતું કે એનએસજી બ્લેકકેટ કાર રેલી આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આઝાદીની ચળવળના ઐતિહાસિક સાક્ષી રહેલા સ્થળોની મુલાકાત લઈને અમૃત મહોત્સવને ઊજવી રહી છે. એનએસજી કમાન્ડો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હોય છે.એનએસજી બ્લેકકેટ કાર રેલીનું નેતૃત્વ કરનારા કર્નલ ઓએસ રાઠોરે જણાવ્યું હતું કે મને ગર્વ છે કે સુદર્શન ભારત પરિક્રમા બ્લેકેટ કાર રેલીનું નેતૃત્વ કરવા મળ્યું છે. જુદા જુદા એનએસજી યુનિટમાંથી સૌથી શ્રેષ્ઠ કમાન્ડોને પસંદ કરીને આ રેલીમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં અમારું ભવ્ય સ્વાગત થયું, લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે, ગ્રીન કોરિડોરથી અમને લાવવામાં આવ્યા છે.એનએસજી કાર રેલીમાં 12 અધિકારીઓ, 2 જુનિયર કમિશન્ડ ઓફિસર અને 25 કમાન્ડો સહિત કુલ 49 કર્મચારીઓ જોડાયા છે.આ રેલી વારાણસી, બોધગયા, બહેરામપુર, વિશાખાપટ્ટનમ, વિજયવાડા, હૈદરાબાદ, કોલકાતા, જમદેશપુર, ચેન્નઈ, ભુજપુર, હુબલપુર, ચેન્નાઇ, મુંબઈથી અમદાવાદ આવી પહોંચી હતી. આજે રેલી અમદાવાદથી જયપુર થઈ 30 તારીખે નવી દિલ્હી પહોંચશે. 30 ઑક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય પોલીસ સ્મારક, ચાણક્યપુરી, નવી દિલ્હી ખાતે ધ્વજવંદન કરશે.