માણસ દિવસેને દિવસે કળિયુગના પ્રભાવમાં અંધ બનતો જાય છે.આધુનિકતા તરફ દોટ મુકતો માણસ સ્વાર્થી અને સંકુચિત થતો જાય છે.સમગ્ર વિશ્વ પર આવેલ કોરોના મહામારીમાં માણસના બે રૂપ જોવા મળ્યા.એક પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી લોકોને લૂંટાવા મજબૂર બનાવનાર ભયાનક લૂંટારા માણસનું વિકરાળ રાક્ષસી રૂપ જ્યારે,બીજી તરફ સંસારમાં જીવતા અને સમાજની સતત ચિંતા કરી લોકો માટે સમર્પિત થનાર સેવાભાવી ભગવાન રૂપી માનવ રૂપ.
આજે વાત કરવી છે એવા જ એક વર્તમાન પરિસ્થિતિમાં લોકોની સેવામાં ખડેપગે રહેનાર સેવાવ્રતધારી, કર્મ વિરાંગના જીજ્ઞાબહેન શેઠની.
જીજ્ઞાબહેનનો જન્મ વઢિયારની પાવન ધરા પર આવેલ પવિત્ર જૈન મહાતીર્થ શંખેશ્વર ખાતે જૈન શ્રેષ્ઠી ભરતભાઇ શેઠના ત્યાં થયો.પાર્શ્વ પ્રભુની નગરી શંખેશ્વરમાં જન્મ મળ્યો તેથી જીજ્ઞાબહેન પોતાની જાતને ભાગ્યશાળી માને છે. ભરતભાઇ શેઠ ખુબ જ સેવાભાવી અને કર્તવ્યપરાયણ માણસ.શંખેશ્વરના પ્રત્યેક જન હૃદયમાં વસેલ વિરલ વ્યક્તિ.અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે.
આવા સેવાભાવી પિતાનો વારસો, પાર્શ્વ પ્રભુની કૃપાદ્રષ્ટિ તથા સાધુ ભગવંતોના આશિષ જીજ્ઞાબેનને મળ્યા છે.
કહેવાય છે કે,ઘરના સંસ્કારો આપોઆપ લોહીમાં ગૂંથાઈને ખરા સમયે પ્રગટ થતાં હોય છે એવી જ રીતે સેવાભાવી પિતાના સંસ્કારે ઉછરેલ જીજ્ઞાબહેનમાં પણ સેવાની સરવાણીના ઝરણા ખળખળ વહેતા થયાને આરંભાઈ સેવાકીય અનેક પ્રવૃત્તિઓ.
વઢિયાર વિસ્તાર શિક્ષણ અને આર્થિક રીતે ખૂબ પછાત ગણાય છે ત્યારે,જીજ્ઞાબહેનને એક દિવસ એક વિચાર આવે છે કે,આ વિસ્તારના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કંઈક કરવું જોઈએ
અને એ વિચારને તરત જ અમલમાં મુક્યો.
કુદકેને ભૂસકે વિજ્ઞાન ટેકનોલોજીમાં દુનિયા વિકાસની હરણફાળ ફરી રહી છે ત્યારે,આ વઢિયાર વિસ્તારમાં શંખેશ્વરની નજીકમાં ક્યાંય કમ્પ્યુટર શિક્ષણ મળતું નહોતું એ જાણી આ વિસ્તારના વિદ્યાર્થીઓને ટેક્નિકલ યુગ સાથે જોડાવા માટે શંખેશ્વર ખાતે જીજ્ઞા કમ્યુટર કલાસીસ ની શરૂઆત કરી.છેલ્લા સોળ વર્ષથી એટલે કે દોઢ દાયકાથી ચાલતા આ શિક્ષણયજ્ઞમાં વઢિયાર વિસ્તારના લગભગ 17,000 કરતા વધારે વિદ્યાર્થીઓને તાલીમ સાથે પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા છે.
પણ,એક જ વિષયમાં સંતોષ માને તો જીજ્ઞાબહેન શાના ??
સાથે સાથે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમાટ ચાલુ રાખ્યો.સતત દોડાદોડી કરી આવા કાર્યો કરતા જીજ્ઞાબહેન ક્યારેય થાકેલા દેખાતા નથી.સતત હસતો ચહેરો,સ્મિત સાથે વાત કરતા જોઈએ ત્યારે તેમના પર રહેલી પ્રભુ કૃપાનો સહજ અહેસાસ થાય.
તેમને કરેલા સેવાકાર્યોની યાદી કરવા જઈએ તો કદાચ લેખ ખૂબ લાંબો થઈ જાય અને તો પણ કદાચ એમાં બાકી પણ રહી જાય.
પણ, કેટલીક ઉડીને આંખે વળગે તેવી પ્રવૃત્તિઓ જોઈએ તો..
માનવતાના મસીહા પ.પૂ.આ.ભ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદ અને પૂજય મુનિરાજ નયશેખર મ.સા. તથા પૂજય મુનિરાજ શૌર્યશેખર મ.સા. ના માર્ગદર્શનથી પ્રેમરત્નપરિવાર દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ તેઓ કરી રહ્યા છે.
જેમાં છેવાડાના માણસોની ચિંતા કરી સમી,શંખેશ્વર અને હારીજ તાલુકાના ગામોમાં આશરે 5,000 થી વધુ પરિવારોને મીઠાઈ વિતરણ,શિયાળાની કડકડતી ઠંડીમાં હૂંફ આપવા લગભગ 3,000 જરૂરિયાતમંદ પરિવારોમાં ગરમ ધાબળા વિતરણ,જૈનાચાર્ય પ.પૂ.રત્નશેખરસૂરી મ.સા ના જન્મદિન નિમિત્તે જેસડા ગામ ખાતે પશુઓને પાણી પીવાના હવાડાનું લોકાર્પણ,કોરોના કાળની ભયંકર લહેર વચ્ચે લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા ત્યારે, જીજ્ઞાબહેને જનસેવાને જ પ્રભુસેવા માની પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર સતત 45 દિવસ સુધી શંખેશ્વર અને તાલુકાના વિવિધ ગામોમાં જાતે ભોજન વિતરણ કરતા રહ્યા.બસ,મનમાં એક જ ધૂન હતી લોકડાઉનમાં કોઈ માનવ ભૂખ્યું ન રહેવું જોઈએ.એટલું જ નહીં પણ,લોકોના સ્વાસ્થય માટે શંખેશ્વર ગામમાં 3,000 અને આજુબાજુના ગામોમાં 15,000 જેટલા માસ્કનું વિતરણ કર્યું.શંખેશ્વર ગામ તથા આજુબાજુના ગામોમાં 5,000 થી વધારે પરિવારોમાં આયુર્વેદિક પોટલીઓનું વિતરણ કર્યું.શંખેશ્વર આજુબાજુના ગામોમાં 15,000 હોમિયોપેથીક દવાઓનું વિતરણ કર્યું.શંખેશ્વર તથા આજુબાજુના ગામોમાં ફુડએન્ડ ન્યુટીશન દવાઓનું વિતરણ કરવામાં આવ્યું.શંખેશ્વર મધ્યે માનવતાના મસીહા પૂ.આ.ભ.શ્રી રત્નશેખરસૂરિ મ.સા ની પુણ્યતિથિ નિમિત્તે 108 ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ તથા જહાજ મંદિર એન્કરવાલા ધામના તમામ સ્ટાફને 10 કિલો અનાજનું વિતરણ કરવામાં આવ્યું.108 દીકરીઓને એક ડઝન ફુલસ્કેપ ચોપડા આપવામાં આવ્યા.
આટલે થી ન અટકતા જિજ્ઞાબહેન દ્વારા વઢીયાર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે પાટણ જિલ્લામાં સૌ પ્રથમ ઇંગ્લિશ સ્પીકિંગ કોર્ષ શરૂ કરવામાં આવ્યો.
C.S.C. સેન્ટર તથા જિલ્લા કક્ષાનુ સ્કિલ ઇન્ડિયા સેન્ટર શરૂ કરાયું છે.પ્રધાનમંત્રી ડીઝીટલ સાક્ષરતા અભિયાન દ્વારા ભાઈઓ અને બહેનોને ટ્રેનિંગ આપી.પાટણ જીલાના શંખેશ્વર,રાધનપુર અને સાંતલપુર તાલુકાના આંગવાડી બહેનોને પોષણ ટ્રેકરની તાલીમ આપી.C.S.C એકેડેમી દ્વારા R.P.L ની તાલીમ,C.S.C દ્વારા H.D.F.C માં પાટણ જીલાના શંખેશ્વર અને સમી તાલુકાના વિવિધ ગામોમાં એકાઉન્ટ ઓપન કરાવ્યા.C.S.C દ્વારા વિવિધ ગામોમાં ઇકોનોમિક સર્વે,સરકારી કર્મચારીઓ જેવાકે શિક્ષકો, પોલીસ,તલાટી વગેરેની C.S.C ની તાલીમ આપવામાં આવી.C.S.C દ્વારા વિએલી લેડી જેમાં ઓલ ઇન્ડિયામાં પ્રથમ નંબરે આવેલા.
આ વિસ્તારની દીકરીઓ આર્થિક પછાતપણાના કારણે કમ્પ્યુટર જ્ઞાનથી અજાણ ન રહે તે માટે ગુડ ડીડ્સ ફાઉન્ડેશનના માધ્યમથી 145 દીકરીઓને દત્તક લઈ કમ્પ્યુટર જ્ઞાન સાથે પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવી.આટલું કામ કરવા છતાં કોરોના કાળમાં 100 થી વધારે કર્મચારીઓને સન્માનપત્ર આપી સન્માનવામાં આવ્યા.
સમાજ દ્વારા યોગ્ય વ્યક્તિની યોગ્ય સમયે કદર થવી જોઈએ અને થતી પણ હોય છે એ જ રીતે સેવામાં ઓત પ્રોત રહેતા જીજ્ઞાબહેનને પણ અનેક બહુમાનો મળ્યા છે.
સતત સેવાતત બહેનશ્રીને મહારાજ સાહેબ દ્વારા સેવાવ્રતધારી,કર્મ વિરાંગના,શંખેશ્વર સેલિબ્રિટી જેવી પદવીથી નવાજવામાં આવ્યા છે તો કોરોના કાળમાં કરેલ ઉત્તમ કાર્ય બદલ મુંબઇ ખાતે “કોવિડ કવીન'”ની પદવી અર્પણ કરવામાં આવી.શંખેશ્વર ખાતે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળિયાના હસ્તે કોરોના વોરિયર્સ તરીકે સન્માનવામાં આવ્યા.વડોદરા ખાતે જનકલ્યાણક મિશન ટ્રસ્ટ દ્વારા “બેસ્ટ ટીચર” એવોર્ડથી નવાજવામાં આવ્યા. શંખેશ્વરની દીકરી આટલું બધું કામ કરે એની નોંધ લઈ શંખેશ્વર ગ્રામજનો દ્વારા “શંખેશ્વર ગામનું ગૌરવ'” પદવી અર્પણ કરવામાં આવી.તો પાટણ જિલ્લા ભા.જ.પ મહિલા મોરચાના મંત્રી તરીકે નિમણૂક થતા પ્રેમરત્ન પરિવાર અને એંન્કારવાલા ધામ દ્વારા બહુમાન કરવામાં આવ્યું..
આવા,અનેક સન્માનો અને બહુમાનો મળવા છતાં એ તરફ લક્ષ ના આપતા જીજ્ઞાબહેનનું એક જ ધ્યેય છે બસ માત્ર, જનકલ્યાણ માટે સતત સેવારત રહેવું… એટલે જ તેમણે જીવન મંત્ર બનાવ્યો છે કે, સેવા હૈ યજ્ઞકુંડ સમીધા સમ હમ જલે
લેખકશ્રી ભગવતદાનભાઈ ગઢવી-શંખેશ્વર