



ગત ગુરુવાર મધ્યરાત્રી પડેલા ભારે વરસાદના કારણે આણંદ જિલ્લા ના બોરસદ તાલુકાની સાથે અનેક ગામડાઓ પાણી પાણી થઈ ગયા હતા. ભારે વરસાદને પગલે બોરસદ તાલુકાના સીસ્વા ગામ બેટમાં ફેરવાયું છે. સીસ્વા ગામની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને બહાર નિકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું. જેને લઈને તંત્રએ તાત્કાલિક NDRFની ટીમોને બોલાવી બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, અને પાણીમાં ફસાયેલા 300 લોકોને દોરડાના સહારે બહાર કાઢયા હતા. બીજી તરફ આજે બોરસદ તાલુકાના સીસ્વા, ભાદરણ અને ભાદરણીયા ગામમાં પરિસ્થિતીનો તાગ મેળવવા માટે SDM જે.એચ.બારોટે અને બોરસદના મામલતદાર પહોંચ્યા હતાં. સાથે આણંદ સાંસદ મિતેશ ભાઈ પટેલ (બકાભાઈ) પણ જાતે રાહત કાર્યો માં જોડાયા હતા અને એક સાચા સમાજ સેવક ની ફરજ અદા કરી હતી.
આણંદના સાંસદ મિતેશભાઈ પટેલે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના સિસ્વા ગામે પડેલા વરસાદના કારણે ઊભી થયેલી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવી હતી. આ તકે તેમણે ઇન્દિરા નગરી વિસ્તાર અને મહાદેવનગર વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીને ધ્યાને લઇ ત્યાંના રહીશોને સમજાવી તેમનું સરકારી આવાસમાં સ્થળાંતર કરાવ્યું હતું. મુશળધાર વરસાદની વચ્ચે આણંદ સાંસદ મિતેશભાઇ પટેલે સક્રિય થઈ રાહત કામોમાં સહયોગ કર્યો હતો.