









ગુજરાતના આંગણે રાષ્ટ્રીય રમતોત્સવ-૨૦૨૨ સંપન્ન થવા જઈ રહ્યો છે, ત્યારે આજરોજ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી, બોપલ-અમદાવાદ ખાતે મલ્લખંભ રમતની ભવ્ય મેડલ્સ સેરેમની યોજાઈ હતી. આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ-ગુજરાત સરકારના મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ મલ્લખંભની રમતના વિજેતા રમતવીરોને મેડલ્સ એનાયત કર્યા હતા. મંત્રીશ્રીએ સૌ વિજેતા પ્રાપ્ત ખેલાડીઓને અદભુત પર્ફોર્મન્સ માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ-ગુજરાત સરકારના મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ મલ્લખંભના સ્પોર્ટ્સ પ્લયર્સને સંબોધિત કરતાં જણાવ્યું કે, નેશનલ ગેમ્સમાં એક ખેલાડી તરીકે સિલેક્ટ થવું અને રમવું એ સૌથી મહત્વનું હોય છે. મેડલ્સ કરતાં પણ રમવું વધુ મહત્વ ધરાવે છે. ગુજરાતમાં ભવ્ય રીતે નેશનલ ગેમ્સ-2022નું આયોજન થયું છે અને સરકારના સફળ પ્રયત્નો થકી અને સૌના સહકારથી આપણે રાષ્ટ્રીય રમતોત્સવ ખૂબ સારી રીતે આયોજિત કરી શકયા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, પોલ મલ્લખંભ મેન્સ વ્યક્તિગત ઇવેન્ટમાં મહારાષ્ટ્રના શુભંકર વિનયને ગોલ્ડ અને દિપક વામનને સિલ્વર મેડલ પ્રાપ્ત થયો હતો ઉપરાંત ગુજરાતના ગૌરવ એવા શોર્યજિત બ્રોન્ઝ મેડાલિસ્ટ બન્યા હતા. મલ્લખંભ મેન્સ ટીમ ચૈમ્પિયનશિપમાં મધ્યપ્રદેશની ટીમ ગોલ્ડ મેડલ, મહારાષ્ટ્ર સિલ્વર અને છત્તીસગઢની ટીમ બ્રોન્ઝ મેડાલિસ્ટ બની હતી. જ્યારે મલ્લખંભ વિમેન ટીમ ચૈમ્પિયનશિપમાં મહારાષ્ટ્ર ટીમને ગોલ્ડ, મધ્યપ્રદેશ ટીમને સિલ્વર અને છત્તીસગઢ વિમેન ટીમ બ્રોન્ઝ મેડાલિસ્ટ બની હતી. આજરોજ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી,અમદાવાદ ખાતે નેશનલ ગેમ્સ-2022ની મલ્લખંભની સ્પોર્ટ્સ ઇવેન્ટ સકસેસફુલી સંપન્ન થઈ હતી.