અમદાવાદના અસારવા વિસ્તારને મળી નવી પોલીસ ચોકી

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં નવનિર્મિત પોલીસ ચોકીનો આજે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શુભારંભ કરાવ્યો હતો. અસારવા વિસ્તારની મધ્યે કાર્યરત થયેલ નવીન પોલીસ ચોકી અસારવા વિસ્તારના નગરજનોની જનસુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ પોલીસ ચોકીના લોકાર્પણ વેળાએ ગૃહરાજ્યમંત્રી શ્રી એ પ્રગટ કર્યો હતો. પ્રજા અને પોલીસ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાના જતન સુચારૂ સંચાલન  માટે નવનિર્મિત પોલીસ ચોકી કારગર નિવડશે. આ પોલીસ ચોકી દ્વારા સ્થાનિક પ્રજાજનોની જરૂરિયાતો ત્વરીત સંતોષાશે. રાજ્યના પોલીસ આવાસોનું પણ હાલ નવીનીકરણની કામગીરી ચાલી રહી હોવાનું જણાવી પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડેલ(PPP)થી રાજ્યમાં પોલીસ સેવાની માળખાકીય સુવિધાઓમાં અનેકવિધ અને ઝડપી ફેરફારો થઇ રહ્યાં હોવાનું ગૃહરાજ્યમંત્રી શ્રી એ કહ્યું હતુ.  અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જુની અસારવા પોલીસ ચોકી ૧૯૭૨માં દાદા હરિની વાવની બાજુમાં પુરાતત્વ વિભાગની જમીનમાં બનાવવામાં આવેલી હતી. જે ઘણી જૂની અને જર્જરીત હતી તેમ જ છેવાડાની જગ્યાએ આવેલી હોઈ લોકોને આવવા-જવામાં તકલીફ પડતી હતી. વળી, અસારવા તળાવની આસપાસનો વિસ્તાર ગીચતાવાળો હોઈ અને આ વિસ્તારમાં બનતા ગુનાઓને રોકી શકાય અને પ્રજા મુક્ત રીતે હરીફરી શકે તે માટે અસારવા વિસ્તારની મધ્યે પોલીસ ચોકી કાર્યરત કરવામાં આવી. આ અસારવા પોલીસ ચોકી લગભગ ૯૦ હજાર જેટલી વસ્તીને આવરી લે છે. આ પોલીસ ચોકી હેઠળ ૯ શાળાઓ, ૯ સોસાયટી તથા મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ બનાવેલા માધવ એપાર્ટમેન્ટમાં ૩૪૦ મકાનો તેમ જ અભિષેક એસ્ટેટ વિભાગ – ૨ નો સમાવેશ થાય છે. વળી, આ વિસ્તારમાં અસારવા ચકલા ખાતેનું પ્રભુનગર શાક માર્કેટ અને નાની મોટી આશરે આઠેક ચાલીઓનો સમાવેશ થાય છે.

રાજનીતિ