

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ કે જ્યાં દરરોજ હજારો લોકોની અવર-જવર રહે છે, ત્યાં જ જાહેરમાં પાર્ક કરેલી છકડો રિક્ષામાં એક યુવક અને એક યુવતીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના પ્રાથમિક નિરીક્ષણ દરમિયાન આ બન્ને મૃતદેહમાંથી યુવતી કે જેની ઓળખ પુષ્પા રાઠોડ તરીકે મળી હતી. તેનો મૃતદેહ ૬૦ ટકા કોહવાયેલી હાલતમાં હતો, જેને અડતાં જ શરીરના અંગ છુટા પડી જતા હતા. જયારે યુવક કે જેની ઓળખ રાજેશ દેશાભાઈ પારધી તરીકે થઇ હતી, તેનો મૃતદેહ કોહવાયેલો ઓછો હતો. આ શંકાસ્પદ મોત અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નિરીક્ષણ કરી મૃતદેહને પીએમ માટે મોકલ્યા હતા. બીજી બાજુ તબીબીઓએ એવો અભિપ્રાય આપ્યો હતો કે, આ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવું જરૂરી છે. આથી બન્નેના મૃતદેહને પીએમ માટે જામનગર મોકલવામાં આવ્યા છે. મૃતદેહ જે સ્થિતિમાં મળ્યા છે તેના ઉપરથી કેટલાક પ્રશ્નો ઉભા થાય છે. કારણ કે, યુવતીનો મૃતદેહ વધારે કોહવાયેલી અવસ્થામાં છે જેને અડતા જ અંગ છુટા પડી જાય છે. આથી યુવક યુવતીને મારી નાખ્યા બાદ રિક્ષામાં લઈને આવ્યો હોય અને પછી તેણે પણ આત્મહત્યા કરી હોવાની શક્યતા છે. જાેકે, આવી સ્થિતિમાં યુવતીએ જબરજસ્તી દવા પી લીધી હોય અને યુવક મજબુર બન્યો હોય એવું પણ બને. એટલે બન્નેના વિસેરા ઉપરથી સાચી વિગતો મળશે. ત્યારબાદ આગળની કાર્યવાહી થશે.