અમદાવાદના નવાવાડજ ખાતે મહેસુલ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

નાગરિકોને મહતમ વૃક્ષારોપણનો અનુરોધ કરતા મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણા જીવનમાં વૃક્ષો સૌથી વધારે મહત્વ ધરાવે છે, તેથી આપણે તેમનુ જતન કરવુ જોઇએ, હાલમાં પ્રકૃતિનું શોષણ થઈ રહ્યુ છે, તેના કારણે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા ઉદભવી છે, અને આ સમસ્યાના ઉકેલ માટે વૃક્ષારોપણ જ ઇલાજ છે. આપણા ઋષિ-મુનિઓએ કરેલા પ્રકૃતિ જતનના લીધે, આજે આપણે શ્વાસ લઈ શકીએ છીએ, તેથી આપણે સૌ કોઈએ વૃક્ષો વાવીને આગામી પેઢીને શુદ્ધ વાતાવરણ પુરૂ પાડીએ. મંત્રીશ્રીએ લોકોને જણાવ્યુ હતુ કે,સૌ કોઈ પોતાના ઘરોમાં, ફળિયામાં, ફ્લેટમાં, વૃક્ષો વાવે અને તેમનો ઉછેર કરે, મંત્રીશ્રીએ બધાને પોતાના જીવનકાળ દરમિયાન મહતમ વૃક્ષો વાવવાનો  સંકલ્પ કરવા આહ્વાન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મિશન મિલિયન ટ્રીઝ, અમદાવાદને હરિયાળું બનાવવા અમદાવાદમાં આ વર્ષે ૧૫ લાખ જેટલા વૃક્ષો વાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે, આ અંતર્ગત નવાવાડજમાં ૧૫,૦૦૦ જેટલા વિવિધ વૃક્ષો વાવવામાં આવશે. આ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી ગીતાબહેન પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર શ્રી આઈ.કે.પટેલ, પૂર્વ મેયરશ્રી ગૌતમભાઈ શાહ, ઉપરાંત વિવિધ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પર્યાવરણ સમાચાર