ખરેડી ગામની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલના આદિવાસી વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
ખરેડી ગામ ખાતે ગ્રામસભા યોજી આયોગની કામગીરી જણાવી, ગ્રામજનોના પ્રશ્નો જાણ્યા
આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાની મુલાકાતે રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના નિર્દેશકશ્રી ડો. લલિત લટ્ટા અને કાર્યાલય અધ્યક્ષ શ્રી સતીષકુમાર શર્મા આવ્યા છે. આજે તેમણે દાહોદના ખરેડી ગામની એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. ઉપરાંત ખરેડી ગામની પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો સાથે બેઠક યોજી આયોગની કામગીરી વિશે જણાવી, ગ્રામજનોના પ્રશ્નો જાણ્યા હતા.
એકલવ્ય મોડેલ રેસિડેન્સીયલ સ્કુલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આયોગના નિર્દેશકશ્રી ડો. લલિત લટ્ટાએ વિદ્યાર્થીઓને આયોગની કામગીરી વિશે માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓના શિસ્ત અને સંસ્કારની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં બાળપણથી જ શિસ્ત અને સંસ્કારના સિંચનથી તેમનામાં સાચા ગુણોનો વિકાસ થાય છે અને જીવનમાં ઇચ્છિત લક્ષની પ્રાપ્તિ થાય છે.
તેમનો વિદ્યાર્થીઓ સાથેનો સંવાદ સંતોષકારક રહ્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને વિવિધ પ્રશ્નો પૂછી તેના ઉત્તરો મેળવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શાળામાં નિયમોનુસાર વાલી-શિક્ષક મિટિગ થાય છે કે નહી, રમતગમતની પ્રવૃત્તિઓ વિશે, પુસ્તકાલય માટે સમય અપાઇ છે કે કેમ, સવારના નાસ્તાથી લઇને જમવા બાબતે, દૂધ અને ફળ અપાઇ છે કે કેમ, ઇનડોર તેમજ આઉટડોર ગેમ વિશે, વર્ષમાં કેટલી વખત ગણવેશ અપાઇ છે કે કેમ, સ્કોલરશીપ બાબતે, કમ્પ્યુટર શીખવે છે કે કેમ, ઇન્ટરનેટની સુવિધા વિશે વિવિધ પ્રશ્નો પૂછી માહિતી મેળવી હતી. આ ઉપરાંત પણ વિદ્યાર્થીઓને અન્ય કોઇ પણ સમસ્યા હોય કે કોઇના માટે ફરીયાદ હોય તો પણ જણાવવા માટે કહ્યું હતું.
આયોગના કાર્યાલય અધ્યક્ષ શ્રી સતીષકુમાર શર્માએ વિદ્યાર્થીઓને આયોગની કામગીરી વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આયોગનું મુખ્ય કાર્યાલય દિલ્હી અને ક્ષેત્રીય કાર્યાલય જયપુર ખાતે છે. તમને આપવામાં આવેલા પેમ્ફલેટમાં આયોગ વિશે વિગતવાર માહિતી છે. તેમાં આપવામાં આવેલા આયોગની મુખ્ય ઓફિસ, ક્ષેત્રીય ઓફિસ તેમજ સદસ્યોના ફોન નંબર આપવામાં આવ્યા છે. તમને કોઇ પણ પરેશાની હોય તો આ નંબર પર સંપર્ક કરી શકાશે.
ત્યાર બાદ ખરેડી ગામની પ્રાથમિક શાળા ખાતે ગ્રામજનો સાથે આયોગના સભ્યોએ ગ્રામસભા યોજી આદિવાસીઓના હકોના રક્ષણ બાબતે આયોગની ભૂમિકા વિશે સમજ આપી હતી અને આયોગની કામગીરી વિશે માહિતી આપી હતી. ઉપરાંત ગ્રામજનોની સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી. તેમના વિવિધ પ્રશ્નો વિશે જાણકારી મેળવી હતી. આદિવાસીઓ પ્રત્યેના અત્યાચાર, શોષણ કે તેમના બંધારણીય હકોનું ઉલ્લધંન થતુ હોય તેવી બાબતો વિશે આયોગે માહિતી મેળવી હતી. આદિવાસીઓની કોઇ પણ સમસ્યા માટે આયોગનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર શ્રી બી.ડી. નિનામા, આસ્ટીસ્ટન્ટ કમિશ્નરશ્રી (ટીએએસપી) વિશ્વજીતસિંહ ગોહિલ, તકેદારી અધિકારી શ્રી નિતિશકુમાર, તેમજ શાળા ખાતે આચાર્યશ્રી, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગ્રામસભા ખાતે સરપંચ શ્રી રાજુભાઇ, ઉપસરપંચ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.






