નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં પારડીની વાત્‍સલ્‍ય સ્‍કુલ ખાતે રક્‍તદાન શિબિર આયોજકોના સન્‍માન સમારંભ યોજાયો

વલસાડ

માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા આયોજિત રક્‍તદાન શિબિર આયોજકોના સન્‍માન સમારંભમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈએ વિશેષ ઉપસ્‍થિત રહી સંસ્‍થાની સેવા ભાવનાને બિરદાવી હતી. આ અવસરે નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ રક્‍તદાન શિબિર આયોજકોને અભિનંદન પાઠવતાં જણાવ્‍યું હતું કે, વિશિષ્‍ટ બાળકોની વિશિષ્‍ટ સેવા કરતા વાત્‍સલ્‍ય શાળાના સંચાલકોની કામગીરી સરાહનીય છે. કોરોના કાળમાં રકતદાતાઓની અતુલ્‍ય સેવા ખૂબજ પ્રસંશનીય રહી હોવાનું જણાવ્‍યું હતું.ગત વર્ષ દરમિયાન આયોજિત કરાયેલા રક્‍તદાન શિબિરના આયોજકોનું મંત્રીશ્રીના હસ્‍તે પ્રશસ્‍તિપત્ર આપી સન્‍માનિત કરાયા હતા. વી.આઈ.એ. વાપી દ્વારા ફાળવવામાં આવેલા આર.ઓ. પ્‍લાન્‍ટ અને કુલરનું લોકાર્પણ મંત્રીશ્રીના વરદ હસ્‍તે કરાયું હતું.માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્ર દ્વારા સન્‍માનપત્ર આપી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનું સન્‍માન કરાયું હતું. માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્રના દિનેશભાઇ સાકરીયાએ આવકાર પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્રના અશોકભાઈએ આભારવિધિ આટોપી હતી.આ અવસરે વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા, વાત્‍સલ્‍ય શાળા પરિવાર,  માનવ આરોગ્‍ય સેવા કેન્‍દ્રના કર્મીઓ હાજર રહયા હતા.

Uncategorized