ભદ્રેશ્વરમાં યોજાયેલ ગ્રામસભામાં કંપની વિરુદ્ધ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો



ભદ્રેશ્વર,
: તાજેતરમાં મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨ – ૨૩ની પ્રથમ ગ્રામસભાનું આયોજન વહીવટદાર રાજલબેન જે. ગઢવીના અધ્યથસ્થાને કરવામાં આવ્યું હતુ. જેમાં તલાટી મુરુભાઈ પી. ગઢવી દ્વારા હિસાબોનું વાંચન, પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા, માટી બચાવો અભિયાન, હર ઘર નલ જળ યોજના, મેલેરીયા અને ડેન્ગ્યું જેવા વાહકજન્ય રોગો અંગે સાવચેતી, ૧૫માં નાંણાપંચ અંતર્ગત થયેલા વિકાસલક્ષી કામોની સમીક્ષા સહિત વિવિધ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી સાથે હિન્દુસ્તાન અધેશીવ્સ લીમીટેડ કંપનીના વિરૂધ્ધમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરીને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં પર્યાવરણ અને આરોગ્યને નુકશાન કારક કેમીકલ યુક્ત ગંદુ પાણી જાહેરમાં છોડવું, અકસ્માતના કિસ્સામાં વળતર આપવાને બદલે નોકરીમાંથી છૂટા કરવા, આજુબાજુના ખેતરમાં કચરો ફેકીને ખેતીની ફળદ્રુપ જમીનને નુકશાન પહોંચાડવું, સ્થાનિક લોકોને રોજગારી ન આપવી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત લોકોપયોગી કાર્યો ન કરવા જેવા વિવિધ આક્ષેપો સાથે લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ ઉપરાંત મીઠાના કારખાનેદાર દ્વારા પાણીનો બગાડ તેમજ અગરીયાઓના હિત બાબતે પણ ફરીયાદો રજુ થઇ હતી. આ ગ્રામસભામાં જિલ્લા પંચાયત સદસ્યા કૈલાશબા પી. જાડેજાની સાથે ગ્રામ આગેવાનો ઉમર કુંભાર, પ્રતિપાલસિંહ જાડેજા, મનહર મોખા, બાપાલાલ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, હાલુભા જાડેજા, દિલુભા જાડેજા ઉપરાંત ચૂંટાયેલા પંચાયતના પ્રતિનિધિઓ, વિવિધ વિભાગના કર્મચારીઓ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સભાનું સંચાલન તલાટી મુરુભાઈ પી. ગઢવીએ કર્યું હતું.
