ગુજરાતમાં કચ્છ પછી સૌથી વધારે ભૂકંપનો ખતરો નર્મદા ફોલ્ટલાઈનમાં, 2001 પછી 25 હજારથી વધારે નાના-મોટા આંચકા અનુભવાયા

વર્ષ 2001માં ભરૂચ, ભચાઉ, કચ્છ-ભુજ સહિત ગુજરાતના ભૂગર્ભમાં વિનાશક ભૂકંપ બાદ હજાર જેટલા નાના-મોટા આંચકા આવી ગયા છે. કચ્છ પછી ધરતીકંપનો સૌથી વધુ ખતરો 600 કિમી લાંબી નર્મદા ફોલ્ટલાઇન પર રહેલો છે.

છેલ્લાં 9.5 વર્ષમાં ભૂકંપના 771 આંચકા અનુભવાયા

26 જાન્યુઆરી 2001ના ભૂકંપના આંચકાઓ બાદ વર્ષ 2006માં ગાંધીનગરના રાયસણ ખાતે સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી અને ત્યાર બાદ 17 ઓગસ્ટ 2006થી તો ધરાના પેટાળમાં થતી નાનામાં નાની હલચલ પર પણ બાજનજર રાખવામાં આવી રહી છે. રેડ એલર્ટ પર કહેવાતા અને ઝોન-5માં આવતા કચ્છ જિલ્લામાં હજુ પણ રોજબરોજ ભૂકંપના સંખ્યાબંધ આંચકા આવી જ રહ્યા છે. સિસ્મોલોજી રિસર્ચ સેન્ટરના રેકોર્ડ પર નજર કરીએ તો છેલ્લાં 9.5 વર્ષમાં ભૂૂકંપના 771 આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 3 મેગ્નિટયૂડથી વધારે રહી હતી. વર્ષ 2001 પછી ગુજરાતના પેટાળમાં 25 હજારથી પણ વધારે ધ્રુજારી, ભૂકંપિય કંપનો ભારતના જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાથી લઈને યુકેના ઈન્ટરનેશનલ સિસ્મોલોજિકલ રિચર્સ સેન્ટર જેવાં અનેક સેન્ટરોએ નોંધ્યા છે.

ગુજરાત અત્યારે કુલ 3 ફોલ્ટલાઇન પર

ઉત્તર ગુજરાતથી ખંભાતના અખાતથી દરિયાઈની અંદર સુધીનો સીધો ભાગ કેમ્બે ફોલ્ટલાઈન પર છે. સિસ્મોલોજિસ્ટ એને હિમાલય ફોલ્ટઝોન સાથે કનેક્ટેડ ગુજરાતની મુખ્ય ફોલ્ટલાઈન તરીકે ઓળખાવે છે. જ્યારે વડોદરા, ભરૂચથી સુરત, નવસારી સુધીનું દક્ષિણ ગુજરાત નર્મદા ફોલ્ટલાઈન પર આવેલું છે. આ ફોલ્ટલાઈન પણ હિમાલયન ફોલ્ટઝોન કનેક્ટેડ છે, જેનો બીજો છેડો આખા મધ્યપ્રદેશને કવર કરે છે. કચ્છ એક અલગ જ પ્રકારની કચ્છ મેઇન ફોલ્ટલાઈન પર છે, એમાંથી જ કાળક્રમે અલગ થયેલી કટરોલ હિલ ફોલ્ટ, સાઉથવેગડ, આઈસલેન્ડ વેલ્ડ, અલ્લાબંધ, નોર્થ વાગડ જેવી 6 ફોલ્ટલાઈનનું આખા ક્લસ્ટરે 2001 પછીના ભૂકંપથી 11 મિલીમીટર જેટલી મૂવમેન્ટ કરી હતી.

સમાચાર