શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાત 20 વર્ષથી પ્રથમ છે અને આવનારા 30 વર્ષ સુધી ગુજરાત પ્રથમ જ રહેશે :- કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહે જણાવ્યું છે કે, તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી શ્રી નરેન્દ્રભાઇના સૂકાન  સમયથી ગુજરાત અગ્રેસર રહ્યું છે, છેલ્લા ૨૦ વર્ષથી અગ્રેસર ગુજરાત આવનારા સમયમાં પણ અગ્રેસર  રહે તેવું  આયોજન કરાયું છે. ગુજરાતનો વિકાસ ઉત્તરોતર થઇ રહ્યો છે અને અવિરત આગળ વધતો જ રહેવાનો છે એમ તેમણે ઉમેર્યું હતું. 

       જળ, જીવન અને આરોગ્યના ત્રિવેણી સંગમ સમા લોકાર્પણ, ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ અમદાવાદ જિલ્લાના સાણંદના મોડાસર ગામથી ‘સ્મોક ફ્રી વિલેજ’ અભિયાન અંતર્ગત રાંધણ ગેસ કિટનું વિતરણ તેમજ થેલેસીમિયા મુક્ત ગુજરાત અભિયાનનો પ્રારંભ અને મોડાસરના પૌરાણિક બાણગંગા તળાવના નવનિર્માણ અને બ્યુટિફિકેશનના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરાવતા જણાવ્યુ હતુ કે, આજે અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદ જિલ્લામાં વિકાસોત્સવ ઉજવાઇ રહ્યો છે. આવનારા દિવસોમાં મોડાસરના પૌરાણિક બાણગંગા તળાવના નવનિર્માણ અને બ્યુટિફિકેશનના પ્રોજેક્ટનો શિલાન્યાસ અનેક જન સુવિધાઓ ઊભી કરશે.

       અંત્રે ઉલ્લેખનીય છે કે, અષાઢી બીજના શુભ દિવસે ‘સ્મોકલેસ વિલેજ’ પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ ગાંધીનગર સંસદીય મતવિસ્તારના તમામ અંત્યોદય તેમજ બીપીએલ પરિવારોને લાકડા-છાણા કે કેરોસીનના ધુમાડામાંથી મુક્તિ અપાવવાના ભાગરૂપે સાણંદ અને બાવળાના કુલ 4883 પરિવારોને વિનામૂલ્યે ગેસ કનેક્શન આપવામાં આવશે.  રેડક્રોસ સંસ્થાએ સાણંદ અને બાવળા તાલુકાઓમાં થેલેસેમિયા નાબૂદી અભિયાન શરૂ કર્યું છે. રેડક્રોસના આ પ્રોજેક્ટ અંતર્ગત 12,000 જેટલી સગર્ભા મહિલાઓનું પરીક્ષણ કરવામાં આવશે. મહિલા થેલેસેમિયા માઇનર હોય તો તેમના પતિનું પણ થેલેસેમિયા પરીક્ષણ કરાશે અને જરૂર પડ્યે ગર્ભસ્થ શિશુની પણ તપાસ કરીને કોઈ પણ રીતે થેલેસેમિયા પીડિત બાળકનો જન્મ અટકાવાશે. એક અંદાજ મુજબ સઘન પરિક્ષણને કારણે અંદાજે 50 જેટલા થેલેસેમિયા મેજર બાળકોનો જન્મ અટકાવી શકાશે જે એક મોટી સિદ્ધિ હશે. આજ રીતે 500 વર્ષ જૂના ઐતિહાસિક મહાદેવ મંદિર સંકુલમાં આવેલ બાણગંગા તળાવના નવનિર્માણ અને બ્યુટિફિકેશનના પ્રોજેક્ટ અંતર્ગત પહેલા તબક્કામાં તળાવની બાઉન્ડરી સલામત બનાવાશે અને તેના છ ઘાટની મરામત કરવામાં આવનાર છે. તળાવ ફરતે સ્ટ્રીટલાઇટ લગાવીને ચાલવાનો સુંદર રસ્તો તૈયાર કરવાનું પણ આયોજન છે તો તળાવના કાંઠે વિશ્રામ માટે લોકો બેસી શકે એ માટે બાકડા પણ મૂકવામાં આવશે. બીજા તબક્કામાં બાળકોને રમવાનો ગેમ ઝોન બનાવવાનું તથા બગીચો વિકસાવવાનું તેમજ ગ્રામીણ યુવાનોને રોજગારી આપવા સ્ટોલ્સ પણ ઊભા કરવાનું આયોજન છે.

       મંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ ઐતિહાસિક મહાદેવ મંદિર સંકુલમાં આવેલા બાણગંગા તળાવ ખાતે પવિત્ર શિવલીંગ પર લોકો આસ્થા સાથે આવશે અને તેના પગલે આવનારા સમયમાં આ એક પિકનીક સ્પોટ બનવાનું છે. આ તળાવના નવીનીકરણથી અનેક લાભો પણ થશે. વિસરાતા જતા મોડાસરને એક નવી ઓળખ મળશે. આ ક્ષેત્રના પાણીના તળ ઊંચા લાવવા માટે તળાવમાં ઊંડા કરી ભૂગર્ભજળ પણ વધારવાના આયોજનનો ઉલ્લેખ કરી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અહીં પીકનીક સ્થળ પર 6 ઘાટનું નવનિર્માણ, લાઈટ, રમત ગમતના સાધનો લગાવવામાં આવશે. આસપાસની જમીન પર વૃક્ષો વાવવાની સાથે ઓપન એર થિયેટર પણ બનાવવામાં આવશે જેમાં અનેક પ્રકારના નાના-મોટા આયોજનો થઈ શકશે. અહીં કાકરિયા જેમ આ તળાવમાં બોટિંગની સુવિધા પણ વિકસાવવામાં આવશે.  માત્ર સવા વર્ષમાં આ સુવિધા ઊભી કરવામાં આવશે અને સવા વર્ષ પછી તળાવ તમારા હાથમાં સોંપાશે તેવો  વિશ્વાસ વ્યક્ત કરી  આ માત્ર તળાવની સુંદરતાનો જ નહિ, પરંતુ કુદરતી સ્રોતને જાળવવનો પણ પ્રોજેક્ટ છે, સાથે સાથે લોકસંસ્કૃતિને જીવંત રાખવામાં પણ આ પ્રોજેક્ટ યોગદાન આપશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

       શ્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે,  ચૂલા પર થતી રસોઈ એ માત્ર મહિલાઓના સ્વાસ્થ્ય માટે જ નહીં, પણ ઘરના તમામ સદસ્યો અને ખાસ કરીને નાના બાળકોના સ્વાસ્થ્યને ગંભીર હાનિ પહોચાડે છે. આ સમસ્યાના નિવારણ માટે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંખ્યાબંધ ગેસ કનેક્શન આપ્યા છે.  ONGCના સહયોગથી ગાંધીનગરની 13 હજાર બહેનો અને અમદાવાદમાં 6 હજાર બહેનોને ગેસ કીટ આપવાનું કામ કરવામાં આવનાર છે. 

       અગાઉ કોંગ્રેસના રાજમાં જે ન થયું કે જેના વિષે પણ વિચાર પણ ન કરાયો તેવા કામ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇના નેતૃત્વમાં થયા છે. દેશના દરેક ઘરમાં વીજળી અને ગેસ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષ 2024 સુધીમાં દરેક ગરીબને પોતાનું ઘર મળે એવા નિર્ધારિત લક્ષ્ય સાથે શ્રી નરેન્દ્રભાઈની નેતૃત્વમાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે એમ તેમણે ઉમેર્યું હતું.

       શ્રી અમિતભાઇ શાહે કહ્યું કે, કોરોનાથી આખી દુનિયામાં હાહાકાર મચી ગયો હતો હજુ પણ અડધુ વિશ્વ  રસીકરણથી વંચિત છે, ત્યારે ભારતમાં વિનામૂલ્યે રસીકરણ કરાવીને વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશને સુરક્ષિત કર્યો છે.  કોરોનાને કારણે અનેકના ધંધા નોકરી બંધ થઈ ગયા હતા ત્યારે કેન્દ્રની સરકારે બે વર્ષ સુધી દરેક વ્યક્તિને 5 કિલો અનાજ વિનામુલ્યે પૂરું પાડ્યું છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

       તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, કોંગ્રેસે ગરીબી હટાવવાનો નારો આપ્યો પરંતુ ગરીબોને જ હટાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે.

       આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રીએ દરેક જિલ્લામાં 75 તળાવ બનાવવાની તેમજ હયાત તળાવોને સુધારવા-સમારવા માટે આહ્વાન આપ્યુ  છે ત્યારે ઝાયડસ કંપનીના સહયોગથી મોડાસરનું બાણગંગા તળાવનું નિર્માણ સવા વર્ષમાં કરી દેવામાં આવશે એમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

       કેન્દ્રીયમંત્રી શ્રી અમિત શાહના વરદહસ્તે નવાપુરા ખાતે છ માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવાપુરા ઉપરાંત કેરાલા, નવી મોરવાડ, મઢાદ, સાયલા, ગુંદા તથા તરઘડિયા ખાતે નિર્મિત છ માર્ગીય ફ્લાયઓવરનું લોકાર્પણ પણ કર્યું હતું.

       આ અવસરે વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ કહ્યું કે, આજે 137 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણનો અવસર છે. શ્રી અમિતભાઇ શાહ આ વિસ્તારના વિકાસ કાર્યો માટે  સતત ધ્યાન રાખતા રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, આ સરકારમાં જે કામ થઈ રહ્યું છે એ ‘ન ભૂતો ન ભવિષ્યતિ’. દરેક વિભાગના મોટી સંખ્યામાં કામો આ સરકારે અત્યાર સુધીમાં કર્યા છે અને આગળ પણ કરતી રહેવાની છે. આજે શ્રી નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિને કારણે આયુષમાન ભારત યોજના અંતર્ગત ગરીબ પરિવારો મફત સારવાર મેળવી રહ્યા છે એટલું જ નહીં,  વર્ષોથી પાણી માટે ઝંખતા લોકો હવે નહેરો અને તળાવો મારફતે પાણી મેળવી રહ્યા છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

       આ અવસરે પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આખો ગાંધીનગર લોકસભાનો વિસ્તાર મત વિસ્તારનો દિવસે ને દિવસે વિકસતો રહ્યો છે.  ગામડાઓની મહિલાઓને દિવસમાં ચાર-ચાર વખત ચૂલા સળગાવવા પડતા જેના કારણે સરેરાશ 45 વર્ષ સુધી મહિલાઓને ચૂલામાં ફૂંક મારવાની થતી હોવાને કારણે ટી.બીના કેસ વધારે આવતા હતા. આ સમસ્યાના નિવારણ માટે ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે, આજે તેનું ઉદાહરણ આપણી સમક્ષ છે કે મોડાસર આજે સ્મોકલેસ વિલેજ બન્યું છે. સાથે સાથે થેલેસેમીયાને કારણે બાળકને જ નહીં આખા પરિવારને પીડા સહન કરવી પડતી હોય છે. આ સમસ્યમાનો ઉકેલ શ્રી નરેન્દ્રભાઈની સરકારે રેડક્રોસ જેવી સંસ્થાના સહયોગથી શોધ્યો છે જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

       આ પ્રસંગે કલેકટર શ્રી સંદીપ સાગલેએ કહ્યું કે, આજે વરસાદની સાથે-સાથે વિકાસ કાર્યોનો વરસાદ પણ અમદાવાદ જિલ્લામાં થઇ રહ્યો છે. રૂપિયા 11 કરોડના ખર્ચે મોડાસરના પૌરાણિક બાણગંગા તળાવનું નવનિર્માણ અને બ્યુટિફિકેશન થવા જઇ રહ્યું છે. અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગના છ માર્ગીયકરણ અંતર્ગત અમદાવાદ જિલ્લાના નવાપુરા ગામે નિર્મિત ફ્લાયઓવરનું લોકાર્પણ આજે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ દ્વારા કરવામાં આવ્યું છે. 

       તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદ જિલ્લાને થેલેસેમિયા મુક્ત બનાવવા માટે આજે આપણે રેડક્રોસના સહયોગથી એક નવી પહેલ પણ કરી છે, જેમાં માતા અને બાળકના જરૂરી ટેસ્ટ અને સારવાર કરીને થેલેસેમિયામુક્ત બને તેવા પ્રયાસ કરવામાં આવશે. સાથો-સાથ મોડાસર ગામથી ‘સ્મોક ફ્રી વિલેજ’ અભિયાન અંતર્ગત રાંધણ ગેસ કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.

       સાણંદના ધારાસભ્ય શ્રી કનુભાઈ પટેલે કહ્યું કે, આજે આપણે કલ્પના ન કરી હોય તેના કરતા વિશેષ વિકાસ મોડાસર ગામનો થઇ રહ્યો છે, જેનું ઉદાહણ આજે આપણે સૌ જોઇ રહ્યા છીએ. આ અવસરે તેમણે આજે થયેલા કરોડના રૂપિયા વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ શિલાન્યાસ બદલ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.

       આ અવસરે સાંસદ શ્રી કિરીટ સોલંકી, પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ધારાસભ્ય શ્રી બાબુ જમના પટેલ, વઢવાણના ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ, અમદાવાદ કલેકટર શ્રી સંદીપ સાગલે, અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી હિતેશ બારોટ, અમદાવાદ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી રમેશ મકવાણા સાણંદ તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા અમદાવાદ જિલ્લા વહીવટ તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત થયા હતા.

સમાચાર