
રાજકોટ,તા.૧૭
આજે ગુજરાતમાં એનએસયુઆઈ દ્વારા બેરોજગાર દિવસની ઉજવણી કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં કિશાનપરા ચોક ખાતે એનએસયુઆઈના મોટી સંખ્યામાં કાર્યકરો એકત્ર થયા હતા અને ‘હાય રે ભાજપ હાય હાય’ના સુત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ પ્રદર્શિત કરતા એનએસયુઆઈના કાર્યકરોની પોલીસે ટીંગાટોળી સાથે અટકાય કરી હતી. એનએસયુઆઈના જણાવ્યા પ્રમાણે એન્જિનિયર, પીએચ.ડી સુધી અભ્યાસ કરેલા શિક્ષિત યુવાનો પટ્ટાવાળા જેવી પરીક્ષામાં ફોર્મ ભર્યા છે. વર્ગ ૪ અને વર્ગ ૩ની નોકરી કરવા તૈયાર છે. દિશા વિહીન સરકારની નીતિએ બેકારીની સ્થિતિને વિનાશકારી વળાંક પર ઊભી કરી દીધી છે. સરકારની આ યોજના વગરની નીતિઓને કારણે કેન્દ્ર સરકારમાં ૧૦ લાખ પદ ખાલી પડ્યા છે. જે કુલ મંજૂર પદોના ૨૪ ટકા છે. જે અતિ ગંભીર સમસ્યા છે. ૨૦થી ૨૪ વર્ષના ૪૨ ટકા યુવાનો હજુ નોકરીની શોધમાં છે. આવી જ રીતે દેશની સુરક્ષા કરવા માંગતા યુવાનો માટે અગ્નિપથ જેવી હંગામી યોજનાઓ લાવી યુવાનો સાથે અને યુવાનોના દેશની સેવા કરવાના સપના સાથે ખિલવાડ કરી રહી છે. કોઈ પણ પ્રકારની જાેબમાં સિક્યોરિટી કે પેન્શન યોજના જાેવા મળતી નથી. અત્યારે કોન્ટ્રેક્ટ બેઝ અગ્નિવીર યોજના લાવવામાં આવી આગળ જતા પોલીસવીર, બેન્કર વીર, શિક્ષક વીર, પ્રોફેસર વીર જેવી અનેક યોજના લાવવાની શક્યતા રહેલી છે. દેશના યુવાનોને મન કી બાત નહીં રોજગારીની જરૂર છે. જેના સંદર્ભમાં આજે દેશની વધતી બેરોજગારીને લઇ આજે બેરોજગાર દિવસ ઉજવવામાં આવ્યો છે.
