
ન્યુ દિલ્હી,
હાલમાં ભારતમાં ૭.૭ કરોડ જેટલા ડાયાબિટીસ પીડિત ૨૦૪૫ સુધીમાં ભારતમાં ડાયાબિટિસની બીમારીથી પીડિત લોકોની સંખ્યા વધીને ૧૫ કરોડ થઈ જશે તેવો દાવો એક સ્ટડીમાં કરવામાં આવ્યો છે.
હાલમાં ભારતમાં ૭.૭ કરોડ જેટલા લોકોને ડાયાબિટિસ છે અને તેના કારણે દેશ પર પહેલાથી જ સ્વાસ્થ્ય સેવાઓનો બોજ છે.આ સંખ્યામાં વધારો થવાનો છે.દેશમાં ઝડપથી થઈ રહેલા શહેરીકરણ વચ્ચે ગુણવત્તાયુક્ત ખોરાકનો અભાવ તેમજ શારીરિક હિલચાલના અભાવના પગલે ડાયાબિટિસનુ પ્રમાણ વધી રહ્યુ છે તેવુ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે.
આ સ્ટડીમાં ભારતના મહાનગરોમાં રહેતા લોકોને તેમના બોડી માસ ઈન્ડેક્સ એટલે કે ઉંચાઈના હિસાબે શરીરના વજનને ગણતરીમાં લઈને તેમને ડાયાબિટિસ થવાની શક્યતાઓ કેટલી છે તેનુ એનાલિસિસ કરાયુ હતુ.સંશોધનના તારણ પ્રમાણે ૨૦ વર્ષના એજગ્રૂપમાં અડધાથી વધારે પુરુષો અને બે તૃતિયાંશ મહિલાઓને તેમના જીવનકાળમાં ડાયાબિટિસ થવાની શક્યતા છે.
આ સંશોધનમાં એમ પણ કહેવાયુ છે કે, પુરુષો કરતા મહિલાઓને ડાયાબિટિસ થવાનો ખતરો વધારે રહે છે.હાલમાં જેમની વય ૬૦ વર્ષ છે અને જેમને ડાયાબિટિસ નથી તેવા લોકોમાંથી ૩૮ ટકા મહિલાઓ અને ૨૮ ટકા પુરુષોને ભવિષ્યમાં ડાયાબિટિસ થવાનો ખરતો છે.ખાસ કરીને જે લોકો સ્થૂળ છે તેવા લોકોમાં ડાયાબિટિસ થવાનુ જાેખમ ૮૭ ટકા જેટલુ છે.
