

આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે. ત્યારે જિલ્લામાં રાજ્યકક્ષાની સુચારૂ ઉજવણી અન્વયે વિવિધ સમિતીઓ દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે આજરોજ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને વિવિધ સમિતીઓ સાથે રીવ્યૂ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ આયોજન અન્વયે સંલગ્ન વિભાગો પાસેથી તૈયારીઓ વિશે તાગ મેળવ્યો હતો. તેમજ જરૂરી વ્યવસ્થા બાબતે અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. ઉક્ત બેઠકમાં કલેક્ટરશ્રીએ લાઇટિંગ, સુશોભન, સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકાર્પણ-ખાતમુહૂર્તના કાર્યક્રમ સહિતના મુદ્દાઓ વિશે જે-તે સમિતીના અધ્યક્ષશ્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કલેક્ટરશ્રીએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચના સાથે માર્ગદર્શન આપ્યું હતું. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં મળેલી રીવ્યૂ બેઠકમાં સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી 26 જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું આયોજન બોટાદ જિલ્લામાં કરવામાં આવ્યું છે, ત્યારે આયોજનને સુચારૂ પાર પાડવા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓનો આરંભ કરી દીધો છે.
