
મોબાઈલ કેન્સર વાનમાં સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી ગર્ભાશયના મુખના કેન્સરની તપાસ માટે પેપ સ્મિઅરની સુવિધા
કેન્સર એ વિશ્વભરમાં મૃત્યુનું મુખ્ય કારણ છે, જે લાખો લોકો અને તેમના પરિવારોને અસર કરે છે. ભારતમાં, નવમાંથી એક વ્યક્તિને તેના જીવનમાં કેન્સર થવાની સંભાવના છે. જેમાં ત્રણ પ્રકારના કેન્સર સૌથી વધુ જોવા મળે છે – સ્તન કેન્સર (13.5%), મોઢાનું કેન્સર (10.3%), અને સર્વાઇકલ કેન્સર (9.4%). કેન્સરના પ્રારંભિક તબક્કે નિદાન અને સારવાર કરી કેન્સરથી થતા મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. તેથી સમાજમાં કેન્સરની નિયમિત તપાસ માટે જાગૃતતા ફેલાવવી ખુબ જરૂરી છે.

રત્નમણિ મેટલ્સ અને ટ્યુબ્સ લિમિટેડ દ્વારા સ્ત્રીઓમાં કેન્સરની વહેલી તપાસ માટે “કેન્સર સ્ક્રીનિંગ વાન”નું જીસીએસ હોસ્પિટલમાં દાન આપવામાં આવ્યું. જી.સી.એસ. હોસ્પિટલમાં જીસીએસ હોસ્પિટલ અને રત્નમણિ મેટલ્સ અને ટ્યુબસ લિમિટેડના મેનેજમેન્ટ ટીમની ઉપસ્થિતિમાં કેન્સર સ્ક્રીનિંગ વાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જીસીએસ હોસ્પિટલના મેનેજમેન્ટ દ્વારા આ વાનના ઉમદા યોગદાન બદલ રત્નમણિ મેટલ્સ અને ટ્યુબસ લિમિટેડના મેનેજમેન્ટ ટીમનો આભાર માનવામાં આવ્યો હતો. 1.20 કરોડના ખર્ચે તૈયાર થયેલી આ બસમાં સ્તન કેન્સરની તપાસ માટે મેમોગ્રાફી, ગર્ભાશયના મુખની તપાસ માટે પેપસ્મીઅર અને અન્ય બેઝિક તપાસ ટેસ્ટ ઉપલબ્ધ છે.આ મોબાઈલ વાન મારફતે જીસીએસ હોસ્પિટલ દ્વારા અમદાવાદ અને ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં કેન્સર નિદાન અને સારવારના કેમ્પ યોજી દર્દીઓને તપાસી, જરૂરીયાતમંદોને સારવાર આપવા માટે કેમ્પ યોજવામાં આવશે. આ માટે ઠેર ઠેર શ્રેણીબદ્ધ કેમ્પનું આયોજન પણ કરવામાં આવશે.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
