જી.જી. હોસ્પિટલ સામે બે યુવકો પર લાકડીઓ વડે હુમલો

દોડાવી-દોડાવીને માર માર્યો

સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે

જામનગર શહેરની મધ્યમાં આવેલી સરકારી જી.જી. હોસ્પિટલ પાસે આજે સરાજાહેર મારામારીની ઘટના બની હતી. અજાણ્યા શખ્સો દ્વારા બે યુવકોને નિશાન બનાવી લાકડીઓ વડે હુમલો કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક શખ્સો હાથમાં લાકડીઓ લઈને બે યુવકો પાછળ દોડે છે. હુમલાખોરોએ ભરી બજારે આ યુવકોને આંતરીને લાકડીઓના ફટકા મારવાનું શરૂ કર્યું હતું. હુમલાના પગલે આસપાસના લોકોમાં ભારે ડરનો માહોલ જોવા મળ્યો હતો અને થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.

આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. અંગત અદાવત કે અન્ય કોઈ કારણ હોઈ શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. સદનસીબે, હુમલા બાદ યુવકોને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. આ પ્રકારે જાહેરમાં કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. હાલમાં જામનગર શહેરમાં આ વીડિયોને લઈને ભારે ચર્ચાિઓ ચાલી રહી છે.

સમાચાર