૨ મહિનાના બીમાર બાળકને ગરમ સોયના ડામ અપાયા, દાહોદના ભૂવાની ધરપકડ

શરદી-ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં દાહોદના ભૂવાએ શરીરના ૪ અલગ અલગ જગ્યાએ ડામ આપ્યા હતા
દાહોદ,
આજના આધુનિક યુગમાં પણ એક અંધશ્રદ્ધાના કિસ્સાએ લોકોના પગ નીચેથી જમીન સરકાવી દીધી છે.
મધ્યપ્રદેશના ૨ મહિનાના બાળકને શરદી-ખાંસીને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં દાહોદના ભુવાએ શરીરના ૪ અલગ અલગ જગ્યાએ ડામ આપ્યા હતા. ઘટનાની જાણ થતાં
પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ભૂવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના બામન સેમતલિયા ગામનું એક ૨ મહિનાનું બાળક છેલ્લા કેટલાક સમયથી શરદી અને ખાંસીથી પીડાતું હતું. બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતા તેના માતા-પિતા ગભરાઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ જવાને બદલે તેઓ અંધશ્રદ્ધામાં ફસાઈને બાળકને ગુજરાતના દાહોદ જિલ્લાના જાલત ગામે એક ભુવા પાસે લઈ આવ્યા હતા. ભુવાએ બીમારી દૂર કરવાના બહાને અમાનવીય કૃત્ય આચર્યું હતું.
ભુવાએ એક દીવો સળગાવ્યો અને તેમાં પાતળી સોય લાલચોળ ગરમ કરી. ત્યારબાદ તેણે માસુમ બાળકના નાજુક શરીર પર ચાર અલગ-અલગ જગ્યાએ ડામ આપ્યા હતા. શારીરિક પીડાથી દાસતા બાળકની હાલત વધુ બગડતા આખરે મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. ઝાબુઆ પોલીસે આ મામલે પરિવારનું નિવેદન લીધું હતું અને ઘટના ગુજરાતમાં હોવાથી દાહોદની કતવારા પોલીસને જાણ કરી હતી.
ક્તવારા પોલીસે આ મામલાની ગંભીરતાથી નોંધ લઈ, બાળક સાથે આવી ક્રૂરતા આચરનાર ભુવા વિરુદ્ધ કાયદેસરનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે શિક્ષણના અભાવે અને અંધશ્રદ્ધાના કારણે લોકો આજે પણ પોતાના સંતાનોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
