તમે કદાચ માણસોની “આધાર” દ્વારા તેના ગામ-ઠામનું સરનામું મેળવી શકો ને કદાચ એ સ્થળાંતર કરી બીજા જિલ્લા કે રાજ્યમાં જતા રહે તો પણ તેના આધાર નંબર થકી તેનો શોધી શકો એટલી સરળ વ્યવસ્થા ઉભી કરાઇ છે, પરંતુ જો એવુ જ કંઇ પશુપાલકોના પશુઓ માટે થાય તો ચોકક્સ નવાઇ લાગે, હા એવુ જ સાબરકાંઠા જિલ્લામાં પણ પશુઓના INAPH થકી તેમની ગણતરી જ નહિ પણ તેમના સમયાંતરે રસીકરણની જાણ તેમના માલિકને કરવામાં આવશે.
આ અંગે વાત કરતા નાયબ પશુપાલન નિયામક શ્રી ડૉ જે.બી. પટેલે જણાવ્યું હતુ કે, પશુપાલકોની આવકમાં વધારો કરવા પશુઓ સ્વસ્થ્ય હોવા જરૂરી છે. જેને લઇ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પશુરોગચાળા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત (NADCP) સઘન રસીકરણ હાથ ધરાયું છે.આ સાથે કૃત્રિમ બીજદાન, ડી-વર્મિંગ માહિતી તેમજ ભવિષ્યમાં અછત, પુર, અતિવૃષ્ટિ કે કોઇ પણ ડિઝાસ્ટર અંતર્ગત પશુઓને નુકશાન, મૃત્યુ વખતે વળતર સહાય આપવી અને સરકારી યોજનાઓના સમયસર અમલીકરણમાં આ ઓળખ ઇયર-ટેગિંગ ખુબ ઉપયોગી થશે. જેથી તેમણે પશુપાલકોને આ કામમાં પશુપાલન સ્ટાફને સહયોગ આપવા અનુરોધ કર્યો છે. વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, અમે માત્ર પશુઓનું રસીકરણ જ નહિ પરંતુ એન.ડી.ડી.બી દ્વારા તૈયાર કરવામાં આવેલ INAPH (Information Network for Animal Productivity & Health) સોફ્ટવેર થકી પશુ ગણતરી અને તેની નોંધણી કરાય છે. જેમાં માલિકનું નામ-ગામ, પશુની ઉંમર અને મોબાઇલ નંબર સહિત તેના પશુઓની સંખ્યા અને જાતિની તેની બિમારીઓ આ તમામ વિગતની નોંધ કરવામાં આવે છે. આવું જ સાબરકાંઠાના હિંમતનગરના ૧,૫૯,૬૨૬ પ્રાંતિજના ૮૪,૧૬૩ તલોદના ૯૯,૬૯૩ ઇડર ૧,૯૭,૮૪૮ વડાલી ૮૨૦૨૯ ખેડબ્રહ્મા ૯૭૦૧૨ પોશીના ૭૧૧૫૯ અને વિજયનગરના ૮૬૧૫૮ મળી કુલ ૮૭૭૬૮૮ પશુઓને “ઇનફ ” (INAPH) નું ટેગિંગ કરી નવી ઓળખ આપવામાં આવશે.



