દ્વારકા જિલ્‍લામા રૂા. ૭૨ કરોડના પ્રવાસન, શિક્ષણ, આરોગ્‍યના વિવિધ વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્‍યમંત્રીશ્રી

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં જનસુવિધાના રૂા.૭૨ કરોડના વિવિધ પ્રકલ્‍પોની ભેટ આપતા જણાવ્‍યું હતું કે, રાજયનું કોઇ ક્ષેત્ર વિકાસથી વંચિત નહીં રહે, દ્વારકા નગરીનો ફરી સુવર્ણ યુગ આવશે. શ્રેણીબધ્‍ધ વિકાસકામો થકી ભવ્‍યતા ફરી પ્રસ્‍થાપિત થશે. અમારી સરકારનો એક માત્ર મંત્ર છે વિકાસ. આ વિકાસના આધાર પર આવતી પેઢી પડકારો ઝીલતી થશે.

        વિજયભાઇ રૂપાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આરોગ્‍ય, શિક્ષણ, પાણી અને પ્રવાસનના રૂા.૭૨ કરોડના વિવિધ પ્રકલ્‍પોનું લોકાર્પણ/ ખાતમુહૂર્ત કરી જણાવ્‍યું હતું કે, કોરોના સંક્રમણ વચ્‍ચે પણ વિકાસને અટકવા દીધો નથી. રાજયમાં છેલ્‍લા ચાર મહીનામાં ૨૦ હજાર કરોડના ખાતમુહૂર્ત/ લોકાર્પણના કાર્યક્રમો યોજાયા છે. મુખ્‍યમંત્રીએ ઉમેર્યું હતું કે ગુજરાતના દરેક ખુણે વિકાસ થઇ રહયો છે.

        મુખ્‍યમંત્રીશ્રીએ આ પ્રંસંગે જણાવ્‍યું હતું કે ભુતકાળની સરકારનું બજેટ ૮ થી ૯ હજાર કરોડનું હતું જયારે આજે પાણી પુરવઠા, સિંચાઇ વિભાગનું જ ૧૪ હજાર કરોડનું બજેટ છે. જયારે શિક્ષણ વિભાગનું બજેટ રૂા.૩૦ હજાર કરોડ છે.

        આપણા દેશના પનોતા પુત્ર અને પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદી કહેતા કે હું ખાતો નથી અને ખાવા દેતો પણ નથી. ભૂતકાળની સરકાર જ્યારે દિલ્હીથી ૧ રૂપિયો મોકલતી ત્યારે ૧૫ પૈસાનુ કામ થતું આજે ૧ રૂપિયાની સામે સવા રૂપિયાનું કામ થઇ રહ્યુ છે. વધુમાં જણાવ્યુ કે, અમારી સરકાર ગુજરાતવાસીઓને અપેક્ષા આકાંક્ષા પુરી કરવા કટ્ટીબધ્ધ છે. અગાઉની સરકાર અનિર્ણાયક હતી. અનિર્ણાયકતા વિકાસને રૂંધે છે. અમારી સરકાર પારદર્શકતા, પ્રામાણિક્તા, નિર્ણાયકતા અને સંવેદનશીલતાના આધારસ્થંભોને વરેલી છે.

         આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, દુનિયાના વિકાસશીલ દેશોમાં ડિસેલીનેશન પ્‍લાન્‍ટ કાર્યરત છે. ગુજરાત દેશમાં પ્રથમ બનશે જ્યા આગામી સમયમાં ડિસેલીનેશન પ્લાન્ટ શરૂ કરાશે. આ પ્‍લાન્‍ટ થકી દરરોજના ૩૭ કરોડ લીટર ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરાશે. આ તકે મુખ્‍યમંત્રીશ્રીએ રાજય સરકાર દ્વારા લેવામાં આવેલા જનહિતના નિર્ણયો, કલ્‍યાણકારી યોજનાની માહિતી આપી હતી. તેમણે ૨૦૨૨ અંત સુધીમાં ગુજરાતના ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચશે. ૨૦૨૧ના અંતમાં સૌરાષ્ટ્રના ૧૧૫ ડેમ નર્મદા જળથી ભરાઇ જશે. અને  દુષ્કાળ ભૂતકાળ બની જશે તેમ ઉમેર્યું હતું.

આ પ્રસંગે પાણી પુરવઠા મંત્રીશ્રી કુવરજીભાઇ બાવળીયાએ કહયું કે, રાજયનો છેવાડાનો માનવી સ્‍વચ્‍છ શુધ્‍ધ પાણી મેળવી શકે તે માટે સરકાર સતત પ્રયત્‍નશીલ છે. જુની જૂથ યોજના સુધારીને નવી જુથ યોજના દ્વારા અને સીવેજ વોટરને શુધ્‍ધ કરી તેનો પણ ઉપયોગ કરી શકાય તે માટે આ નિર્ણાયક સરકાર કામ કરી રહી છે. વળી આગામી સમયમાં ડિસેલીનેશન પ્‍લાન્‍ટ દ્વારા પણ દેવભૂમિ દ્વારકા જિલ્‍લાને મીઠુ પાણી પુરતી માત્રામાં મળશે તેમ મંત્રીશ્રીએ જણાવી જિલ્‍લાના પ્રત્‍યેક માનવીને પુરતા પ્રમાણમાં પાણી મળી રહેશે તેવી નેમ વ્‍યક્ત કરી હતી. 

જિલ્‍લા પ્રભારી અને પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ જણાવ્‍યું હતું કે શિવરાજપુર બીચને બ્‍લુ ફલેગ સર્ટીફીકેટ મળ્યું છે એ આ આપણા સૌ માટે આનંદની બાબત છે. તેમણે જિલ્‍લાના વિકાસમાં મુખ્‍યમંત્રીશ્રી દ્વારા આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કારાયેલ વિકાસકામોથી જિલ્‍લાનો વિકાસ વધુ બળવત્તર થશે તેમ ઉમેર્યું હતું.  

આ પ્રસંગે સાંસદશ્રી પુનમબેમ માડમે વડાપ્રધાન અને મુખ્‍યમંત્રીનો આભાર વ્‍યકત કરી જણાવ્‍યું હતું કે છેવાડાનો દ્વારકા જિલ્‍લાનો સમગ્ર વિસ્‍તાર રાષ્‍ટ્રીય કક્ષાએ સ્‍થાન પામ્‍યો છે. શિવરાજપુર બીચને બ્‍લુ ફલેગ સર્ટીફીકેટ મળતા આ ક્ષેત્રની વિશ્વ સ્‍તરે ચર્ચા થઇ રહી છે. દેશ-વિદેશથી આવતા શ્રધ્‍ધાળુઓ, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્‍દ્ર બનશે. પ્રવાસનને વેગ મળતા છેવાડાના વિસ્‍તારમાં રોજગારીની તકોમાં વધારો થશે. આ પ્રસંગે પુર્વ ધારાસભ્‍યશ્રી  પબુભા માણેકે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

આ પ્રસંગે ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, ગ્રીમકોના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા, જિલ્‍લા પંચાયત પ્રમુખ શ્રી પી.એસ. જાડેજા, પુર્વ ધારાસભ્‍ય પબુભા માણેક, કાળુભાઇ ચાવડા, જિલ્‍લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ, પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદી ઉપસ્‍થિત રહયા હતા. કાર્યક્રમના પ્રારંભે જિલ્‍લા કલેકટર ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ સ્‍વાગત પ્રવચન અને જિલ્‍લા વિકાસ અધિકારી ડી.જે. જાડેજાએ આભારવિધી કરી હતી.  

બ્રેકીંગ ન્યૂઝ