ડાંગ જિલ્લા ક્ષય ફોરમની બેઠક યોજાઈ ; વડાપ્રધાનશ્રીના સ્વપ્ન અનુસાર સને ૨૦૨૫ સુધી ટી.બી.ને દેશવટો અપાશે

આગામી સને ૨૦૨૫ સુધીમા વડાપ્રધાનશ્રીના આહ્વાન અને સ્વપ્ન અનુસાર દેશભરમા અમલી “નેશનલ ટીબી એલિમિનેશન કાર્યક્રમ” અંતર્ગત ગંભીર પ્રકારના ગણાતા ક્ષયના ચેપી રોગને સામુહિક પ્રયાસોથી દેશવટો આપવાના કાર્યમા સૌને સંવેદનશીલતા સાથે કામગીરી હાથ ધરવાની હિમાયત “જિલ્લા ટી.બી. ફોરમ”ની બેઠકમા ડાંગ કલેકટર શ્રી એન.કે.ડામોરે કરી છે.

       સામાજિક અને રાજકીય કટિબદ્ધતા સાથે વ્યાપક લોક સહયોગ કેળવીને આ રાજરોગને દેશવટો આપવા માટે દર્દીઓ સુધી જરૂરી સેવાઓ પહોચાડવાના પ્રયાસોની જાણકારી મેળવતા કલેકટરશ્રીએ ઉપયોગી સૂચનો રજુ કરી સેવાઓને બહેતર બનાવવાનો અનુરોધ કર્યો હતો.

       જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સહીત ખાનગી તબીબો, કોમ્યુનીટી બેઝ ફર્માંસીસ્ટ, ગામના આગેવાનો વિગેરેનો પણ આ કાર્યક્રમમા સહયોગ મેળવવા માટેના સુચારુ આયોજનનો ખ્યાલ આપતા કલેકટર શ્રી ડામોરે ટી.બી.ફોરમના સભ્યોના સૂચનો તથા મંતવ્યો પણ મેળવ્યા હતા.

       ડાંગ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે નોંધાતા દરેક દર્દીઓના આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોય તે સુનિશ્ચિત કરવા સાથે, સને ૨૦૨૦ ના લક્ષ્યાંક સામે હાંસલ કરેલી સિદ્ધિઓની વિગતો પણ મેળવી હતી.

       સને ૨૦૧૯ દરમિયાન ૨૯૪ દર્દીઓને ટી.બી. મુક્ત કરવા સાથે સને ૨૦૨૦ દરમિયાન ૨૩૮ દર્દીઓને ટી.બી.ની સારવાર હેઠળ મૂકી તેમને મળવાપાત્ર તબીબી સારવાર, અને આર્થિક સહાયની વિવિધ યોજનાઓનો લાભ આપવાનુ શરુ કરાયુ છે, તેમ જણાવતા જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો.પૌલ વસાવાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કામગીરીની વિગતો રજુ કરી, જરુરુ જાણકારી પૂરી પડી હતી.

       જિલ્લા સેવા સદન, આહવાના સભાખંડમા યોજાયેલી આ બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહ, જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.ડી.સી.ગામીત, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડો.ડી.કે.શર્મા સહીત ટી.બી.ફોરમના સભ્યો વિગેરી ઉપસ્થિત રહી ચર્ચામા ભાગ લીધો હતો.

બ્રેકીંગ ન્યૂઝ