ભુજ ૩૬ દિકરીઓને રૂ.૩૯.૬૦ લાખના વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરાયા ૦ થી ૬ માસની ૮ દિકરીઓને દિકરી વધામણી કીટનું વિતરણ કરાયું

આંતરરાષ્ટ્રીય મહિલા દિન-૨૦૨૧
ભુજ ૩૬ દિકરીઓને રૂ.૩૯.૬૦ લાખના વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમ વિતરણ કરાયા
૦ થી ૬ માસની ૮ દિકરીઓને દિકરી વધામણી કીટનું વિતરણ કરાયું

ભુજ,
જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી કચ્છ-ભુજના સંયુકત ઉપક્રમે આજરોજ કલેકટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો. ભુજ પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાણીના વરદ હસ્તે ૩૬ દિકરીઓને રૂ.૩૯.૬૦ લાખના વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ આ તકે ૦ થી ૬ માસની ૮ દિકરીઓને દિકરી વધામણી કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
રાજય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો યોજના અન્વયે તા.૨/૮/૨૦૧૯ પછી જન્મેલ દિકરીઓને ત્રણ તબક્કે કુલ રૂ.૧.૧૦ લાખ વ્હાલી દિકરી યોજના હેઠળ મળવાપાત્ર છે. જેના મંજુરી હુકમો આજરોજ વિતરણ કરવામાં આવ્યા હતા.
પ્રાંત અધિકારીશ્રી મનીષ ગુરવાણીએ આ તકે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ શ્રી અવનીબેન દવેએ યોજનાની વિગતે માહિતી પુરી પાડતા જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં અમલી વ્હાલી દિકરી યોજનાનો લાભ તમારા આસપાસના પાત્રતા ધરાવતા સૌને અપાવો. દિકરીના જન્મના એક વરસમાં જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેને લાભાર્થીએ નજીકની આંગણવાડી કે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ અને અમારા વોટસએપ પરથી પણ યોજના ફોર્મ મેળવીને અચૂક લાભ લેવો જોઇએ.તા.૨/૮/૨૦૧૯ બાદ જન્મેલી દિકરીને ધોરણ-૧ માં રૂ.૪ હજાર, ધોરણ-૯માં ૬ હજાર તેમજ ૧૮ વર્ષ થયે ઉચ્ચ અભ્યાસ માટે અથવા લગ્ન સમયે રૂ.૧ લાખની સહાય મળીને કુલ રૂ.૧.૧૦ લાખ સરકાર દિકરીને આપે છે.આ તકે વ્હાલી દિકરી યોજનાના અને દિકરી વધામણી કીટના લાભાર્થી માતા-પિતા, બાળકો તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મયોગીઓ ઉપસ્થિત રહયા હતા.

બ્રેકીંગ ન્યૂઝ