મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લાના પાત્રતા ધરાવતા પ્રજાજનોને “કોરોના” સામેની લડાઈ માટે વેકસીન લેવાનો અનુરોધ

આરોગ્ય તંત્રે આરંભેલી રસીકરણ ઝુંબેશમા વ્યાપક પ્રજાકીય સહયોગ આવશ્યક

રાજ્યની નિર્ણાયક સરકાર કોવિડ મહામારી સામે મક્કમ લડાઈ લડી શકાય તે માટે ખુબ જ આયોજનપૂર્વક “રસીકરણ અભિયાન” પાર પાડી રહી છે. તેમ છતા સાંપ્રત સમયમા ગુજરાતના કેટલાક મોટા શહેરો અને નગરો સહીત ગ્રામ્ય વિસ્તારોમા પણ “કોરોના” ના નવા કેસો સામે આવવા પામ્યા છે. આ ચિંતાજનક સ્થિતિ વચ્ચે મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લામા પણ વ્યાપક રસીકરણ અભિયાન આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયુ છે. જેના ભાગરૂપે ડાંગના જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયા સહીત નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.બી.ચૌધરી ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના કર્મચારીઓએ પણ કોવીક્સીનના બંને ડોઝ લઈને અન્યોને પ્રેરણા પૂરી પાડી છે. આ ઉચ્ચાધિકારીઓએ આહવાની સિવિલ હોસ્પીટલના સિસ્ટર કલ્પનાબેન રજવાડે પાસે બંને રસી લીધી છે. જેમને આ બંને રસીઓ બાદ કોઈ પણ પ્રકારની આડઅસર થવા પામી નથી. રાષ્ટ્રભરમા રસીકરણની કામગીરીમા ગુજરાત રાજ્ય અગ્રીમ હરોળમા છે. ત્યારે ડાંગ જિલ્લો કે જે સદનસીબે “કોરોના” ના કાળા કહેર થી અત્યાર સુધી સલામત રહ્યો છે. તેવા સમયે આ બાબતે જરા પણ લાપરવાહી ચલાવી શકાય તેમ નથી. આ સંજોગોમા પાડોશી મહારાષ્ટ્ર રાજ્યમા વણસી રહેલી પરિસ્થિતિ જોતા ડાંગના પ્રજાજનો પણ સત્વરે રસીકરણના કાર્યમા જોડાઈને, આ લડાઈમા સહભાગી થાય તે જરૂરી છે, તેમ જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણીયાએ જણાવ્યુ છે. ડાંગ જિલ્લામા અસરકારક રીતે ચાલી રહેલા રસીકરણ અભિયાનની વિગતો આપતા જિલ્લાના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સંજય શાહે જણાવ્યુ હતુ કે, પહેલા તબક્કે ફ્રન્ટ લાઈનર કોરોના વોરીયર્સના રસીકરણ બાદ, જિલ્લામા બીજા તબક્કામા ૬૦ વર્ષથી વધુની વયના નાગરિકો સહીત, અન્ય કાયમી બીમારીઓથી ગ્રસ્ત એવા કોમોર્બિટ લોકોનુ રસીકરણ હાથ ધરાયુ છે. જિલ્લાની સિવિલ હોસ્પિટલ સહીત સામુહિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઘનિષ્ઠ રસીકરણ ઝુંબેશ ચાલી રહી છે. જિલ્લામા ૬૦ વર્ષથી વધુ વયના અંદાજીત ૧૯૦૦ નાગરિકો તથા કોમોર્બિટ કંડીશન ધરાવતા ૯૮૦ જેટલા અંદાજીત નાગરિકો નોંધવામા આવ્યા છે. જે પૈકી ૬૦ વર્ષથી વધુ વયના ૧૯૦૦ ઉપરાંત, અને કોમોર્બિટ ૧૫૨૮ નાગરિકોને રસી આપી દેવામા આવી છે, તેમ પણ શ્રી શાહે વધુમા જણાવ્યુ હતું. સરહદી ડાંગ જિલ્લામા “કોરોના” ને આગળ વધતો અટકાવવા માટે સૌ પ્રજાજનોને “કોવિદ-૧૯” ની માર્ગદર્શક સૂચનાઓનુ ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરવા સાથે, બિનજરૂરી ઘર બહાર નહિ નીકળવાની પણ આ ઉચ્ચાધિકારીઓએ અપીલ કરી છે.

સમાચાર