વાંસદા નેશનલ પાર્ક ખાતે વન વિભાગના ત્રિવિધ કાર્યક્રમોનો યોજાયો ત્રિવેણી સંગમ

વિશ્વ ચકલી દિવસ, વિશ્વ વન દિવસ તથા બર્ડ ફેસ્ટીવલમા ભાગ લેતા પર્યાવરણવિદો

રિપોર્ટ ડાંગ અમરનાથ જગતાપ

આહવા;

ઘેઘુર વનપ્રદેશ એવા દક્ષિણ ડાંગ વન વિભાગ હસ્તકના “વાંસદા નેશનલ પાર્ક” ખાતે વન વિભાગના ત્રિવિધ કાર્યક્રમોનો ત્રિવેણી સંગમ યોજાયો હતો.

        વલસાડ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષક શ્રી એસ.મહેશ્વર રાજાની ઉપસ્થિતિમા યોજાયેલા આ કાર્યક્રમોમા વાંસદાના મહારાજા શ્રી જ્યવીરેન્દ્રસિંહજી સહીત સુરત નેચર કલબના સદસ્યો, પર્યાવરણવિદો, પક્ષીપ્રેમીઓ વિગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમની સાર્થકતા સિદ્ધ કરી હતી.

        દરમિયાન દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી નીલેશ પંડ્યાએ “બર્ડ ફેસ્ટીવલ”નો ઉદ્દેશ સ્પષ્ટ કરી પક્ષીપ્રેમીઓના સહયોગથી રાત, દિવસ અને સાંજ એમ જુદા જુદા પ્રહરે મુક્ત ગગનમા વિહરતા વિહંગોની જાણપીછાણ કરી તેની નોંધણી હાથ ધરી હતી. ચુનંદા વનકર્મીની ટીમ સાથે ત્રિદિવસીય કાર્યક્રમ દરમિયાન પક્ષીઓના જીવનચક્રને દર્શાવતી ફિલ્મોના નિદર્શન સહીત, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, તજજ્ઞોનુ વ્યાખ્યાન વિગેરેના માધ્યમથી વિસ્તૃત જાણકારી પૂરી પાડવામા આવી હતી. આ કાર્યમા નવસારીના શ્રી રાજુભાઈ દેસાઈ, દમણના મરીના બહેન, સુરતના દર્શના બહેન, પરસોત્તમભાઈ અગ્રવાલ, હિતાક્ષી બહેન વિગેરે એ વિષય નિષ્ણાંત તરીકે સહયોગ પૂરો પડ્યો હતો. જેમને વનકર્મીઓ સહીત, નેચર ક્લબના સ્વયંસેવકો, બર્ડ ફેસ્ટીવલમા ભાગ લેવા આવેલા પક્ષીપ્રેમીઓ વિગેરેનો સહયોગ સાંપડ્યો હતો. કાર્યક્રમ ઉજવણી દરમિયાન “વિશ્વ ચકલી દિવસ” નિમિત્તે ચકલીઓના માળાઓના વિતરણ સહીત “વિશ્વ વન દિવસ” ઉજવણીના ભાગરૂપે બાળવૃક્ષોનુ વાવેતર અને વિતરણ પણ કરાયુ હતુ. ત્રિવિધ કાર્યક્રમોમા ભાગ લેનારા પર્યાવરણપ્રેમીઓ, પક્ષીવિદોને પ્રમાણપત્રો તથા સાહિત્યનુ પણ વિતરણ કરાયુ હતું. સમગ્ર કાર્યક્રમોનુ આયોજન અને વ્યવસ્થા વાંસદા નેશનલ પાર્કના અધિક્ષક શ્રી જીગર પટેલ તથા તેમની ટીમે સંભાળી હતી. જયારે સાકરપાતળ રેન્જના પરિક્ષેત્ર વન અધિકારી શ્રી ગણેશ ભોયેએ કાર્યકમના દસ્તાવેજીકરણમા તેમની ભૂમિકા અદા કરી હતી.

પર્યાવરણ સમાચાર