“કોરોના”ના આ જન્મદિવસે શપથ લઈએ “દેશવાસીઓની ખુમારી, ખુદ્દારી, ધીરજ અને વિશ્વાસના પરિણામ સ્વરૂપ શરુ થયેલા વિશ્વના સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાન”મા આપણો ફાળો નોંધાવીએ ; રસી લઈએ, અને લોકોને રસી લેવા માટે જાગૃત કરીએ”

રિપોર્ટ ડાંગ=અમરનાથ જગતાપ

આહવા “ન ભૂતો, ન ભવિષ્યતિ” જેવા “કોરોના”ના દૈત્યને નેસ્ત નાબુદ કરવા માટે દેશ આખો ઝઝૂમી રહ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ વિકટ પરિસ્થિતિમાથી માર્ગ કાઢવા માટે પ્રશાસનિક અધિકારીઓ, અને પદાધિકારીઓ સહીત સામાજિક અગ્રણીઓ આગળ આવી રહ્યા છે.

                આજે “કોરોના” ને ભારતમા એક વર્ષ થવા જાય છે. દેશના ધીરજ અને ખુમારીના ગુણો થકી જ મુશ્કેલ માર્ગેથી દેશવાસીઓ આગળ વધ્યા છે. દેશવાસીઓની “કોરોના” સામે લડવાની ખુમારી અને ભારતના વૈજ્ઞાનિકો દ્વારા જ દેશવાસીઓની સુરક્ષા માટે રસી શોધાશે તેવા વિશ્વાસની ખુદ્દારીને કારણે જ ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા નિર્મિત એક નહિ, બે રસીઓ આવી. સમગ્ર દેશ અને દુનિયામા ઐતિહાસિક સીમાચિન્હ રૂપ ઘટના ઘટી, અને એ સાથે જ દેશમા #LargestVaccineDrive નો પ્રારંભ થયો.

                “સર્વે ભવન્તુ સુખીન: સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યન્તુ મા કશ્ચીત્દુખ; ભાગ્યભેત” સૌ સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવી શુભભાવના દર્શાવતા આ વૈદિક મંત્રને આત્મસાત કરીને આ મહાઅભિયાનની કમાન સંભાળી આપણા આરોગ્ય સેનાનીઓએ. જેમનો સાથ પોલીસ ફોર્સ, સફાઈ કામદાર જેવા સમર્પિત વ્યવસાયકારોએ બખૂબી નિભાવ્યો. કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ, સામાજિક સંગઠનોએ પણ ખભે ખભા મિલાવીને એકજુટ થઈને એકીકૃત અને સહિયારા પ્રયાસોની તાકાત દેખાડી.

                આ કાળ દરમિયાન આ કામગીરી સાથે સંકળાયેલા કઈ કેટલાયે યોદ્ધાઓએ તેમના જીવ પણ ગુમાવ્યા. તો કઈ કેટલાયે લોકોની મનોદશામા પણ આમૂલચુર પરિવર્તનો આવ્યા. તેમ છતા વિશેષ કરીને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત તબીબી સમુદાય, નર્સિંગ સ્ટાફ, પેરામેડીકલ સ્ટાફ, એમ્બ્યુલન્સના પાયલોટ, ગામની આશા, પોલીસ ફોર્સ, અને આકસ્મિક સેવાઓ સાથે સંકળાયેલા તમામ નાનામોટા કર્મયોગીઓએ “કોરોના”ના દૈત્ય સામે જંગ છેડ્યો. પોતાના અને પોતાના પરિવારજનોના જીવને જોખમમા મુકીને પણ, આ યોદ્ધાઓએ આ વાયરસનો સામી છાતીએ સામનો કર્યો.

                આ તમામ “ફ્રન્ટ લાઈનર કોરોના વોરીયર્સ”ને પ્રથમ રસી આપીને તેમને ભયમુક્ત કરી સેવા માટે વધુ સજ્જ કરાયા. ત્યાર બાદ દેશના વરિષ્ઠજનો એવા ૬૦ વર્ષથી વધુની વય ધરાવતા નાગરિકો, અને ૪૫ થી ઉપરની આયુ ધરાવતા અન્ય નાનીમોટી બીમારીથી ગ્રસિત પ્રજાજનોનુ રસીકરણ હાથ ધરાયુ.

                દુનિયાના સૌથી મોટા આ રસીકરણ અભિયાન સામે પણ અનેક નાનામોટા પડકારો ખડા થયા. પણ દેશના નાગરિકોની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ આરોગ્ય સેનાનીઓએ વડાપ્રધાનશ્રીના વિશ્વાસને ડગવા ન દીધો. 

                રાતદિવસ, રાઉન્ડ ધ કલોક, ૨૪×૭ ફરી એકવાર પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વિના આરોગ્યકર્મીઓ લાગી ગયા છે આ રસીકરણ અભિયાનમા. નથી તેમને ખાવાપીવાનો સમય, કે નથી પરિવારજનો સાથે ઉઠવા બેસવાનો સમય. પોતાના કુટુંબમા આવતા સારામાઠા પ્રસંગો ભૂલીને આ યોદ્ધાઓ દુર્ગમ વિસ્તારના એક એક ઘર સુધી, એક એક વ્યક્તિઓ સુધી પહોંચી રહ્યા છે. તેમને રસીકરણ માટે સમજાવી રહ્યા છે. રસી આપીને “કોરોના” સામે રક્ષિત કરી રહ્યા છે.

                આ મહાયજ્ઞમા પ્રજાકીય સહયોગ ખુબ જ આવશ્યક છે. વર્ષબાદ ફરી એક વાર “કોરોના” એ નવા સ્વરૂપે દેખા દીધી છે. ફરી એક વાર કહેર વર્તાવવા અધીરો થયો છે. ત્યારે આરોગ્યકર્મીઓના આ તપ ને એડે ન જવા દેવું, તે દરેક નાગરિકની નૈતિક ફરજ છે. “કોવિદ-૧૯” ની માર્ગદર્શક સૂચનાઓનુ પાલન કરીને, આરોગ્યકર્મીઓને સહયોગ આપીને તેમને સન્માનિત કરી, પોતાને અને દેશને સુરક્ષિત કરવાનો સમય પાકી ગયો છે.

                “કોરોના” એક વર્ષનો થયો. અનેક પરિવર્તનો, વાસ્તવિકતા, માનવીની લાચારી જોઈ ચુકેલા આપણે “કોરોના”ના કાળા કેરનો ભોગ ન બનીએ તે સમયનો તકાજો છે. જીતેલી બાજી હાથથી સરી ન જાય, તે જોવાની આપણા સૌની સહિયારી જવાબદારી છે.

                આવો “કોરોના”ના આ જન્મદિવસે આપણે શપથ લઈએ કે “દેશવાસીઓની ખુમારી, ખુદ્દારી, ધીરજ અને વિશ્વાસના પરિણામ સ્વરૂપ શરુ થયેલા વિશ્વના આ સૌથી મોટા કોરોના રસીકરણ અભિયાન”મા આપનો ફાળો નોંધાવીએ. રસી લઈએ, અને લોકોને રસી લેવા માટે જાગૃત કરીએ.

સમાચાર