હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી , પાટણ અને ઈન્દોર ખાતે આવેલી એસ.એ.જી.ઈ. યુનિવર્સિટી વચ્ચે આગામી ત્રણ વર્ષ માટે એમ.ઓ.યુ. સાઈન કરવામાં આવ્યા છે. જેનાથી બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો કેમિકલ, બાયોલોજીકલ અને એગ્રીકલ્ચરલ સાયન્સમાં વધુ સારૂ સંશોધન કરી શકશે. બંને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સંયુક્તપણે સંશોધન હાથ ધરી વધુ સારા પરિણામ મેળવી શકશે. એમ.ઓ.યુ. કરવાનો મુખ્ય ઉદ્દેશ જ્ઞાનના આદાન-પ્રદાન દ્વારા ઉપયોગી સંશોધનો થકી સમાજને મદદરૂપ થવાનો છે. પ્રોગ્રામ અંતર્ગત એચ.એન.જી.યુ.ના વિદ્યાર્થીઓ ઈન્દોર ખાતે એસ.એ.જી.ઈ. યુનિવર્સિટીમાં તથા એસ.એ.જી.ઈ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાટણ ખાતે એચ.એન.જી.યુ.માં અભ્યાસ કરી શકશે. સાથે સાથે ફેકલ્ટી એક્સચેન્જ પ્રોગ્રામ દ્વારા પ્રાધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ઉચ્ચ કક્ષાનું સંશોધન, ઉચ્ચ શિક્ષણ અને શિક્ષણ થકી સામાજીક બદલાવ લાવવા માટે બંને યુનિવર્સિટી પ્રયત્નશીલ રહેશે. આ પ્રસંગે હેમચંદ્રાચાર્ય કુલપતિશ્રી ડૉ.જે.જે.વૉરા, એસ.એ.જી.ઈ. યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી હીરેન દોશી , રજીસ્ટ્રારશ્રી ડૉ.ડી.એમ.પટેલ, ડૉ.નેહા દોશી, એચ.એન.જી.યુ.ના કારોબારી સભ્ય સર્વશ્રી શૈલેષભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, હરેશભાઈ ચૌધરી, કાર્યક્રમના સંયોજક ડૉ.અશ્વિન મોદી, યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના અધ્યક્ષશ્રીઓ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.




