
માનવજીવનમાં જો કોઈ મોટું સુખ હોય તો તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સુખ છે. જેમનું તન-મન સ્વસ્થ તેમનું જીવન સફળ. તિજોરીમાં પડેલા સોના-ચાંદી અને પૈસાથી પણ વિશેષ છે રોગમુક્ત અને રોગપ્રતિકાર શક્તિથી ભરેલું નિરામય સ્વાસ્થ્ય. જેની પ્રતીતિ આપણને કોરોનાના કહેરએ બહુ સારી રીતે કરાવી દીધી છે. પરંતુ દુ:ખની વાત એ છે કે, આપણે આ સમજદારીને જાળવી રાખવામાં ઢીલાશ અને થોડી ગફલત કરી રહ્યા છીએ. જિલ્લામાં કોરોના ફરી હાવિ થાય તે પહેલા જ રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનનું પાલન કરીએ અને સાથ – સહકારથી કોરોનાનો સફાયો કરીએ. દરેક નકારાત્મક પરિસ્થિતિની નબળી કડી તેના નિવારણ માટેનું પ્રથમ પગલું હોય છે. તેથી જો કોરોના પોઝીટીવ આવીએ તો ગભરાયા વિના તેને નેગેટીવ કરવા આપણે પોઝીટીવ રહેવાનું છે. તો ચાલો, કોરોનામુક્ત રહેવા માટે અને તન-મનની સ્વસ્થતા માટે રોજીંદા જીવનમાં આપણે સૌ આટલી વસ્તુ અવશ્ય કરીએ. જ્યાં સુધી કોરોનાની વેકસીન નથી આવી ત્યાં સુધી તેના મજબૂત શસ્ત્ર તરીકે ફરજિયાત માસ્ક પહેરીએ અને જે નથી પહેરતા તેમને સમજાવી માસ્ક પહેરતાં થાય તેમ કરીએ આ ઉપરાંત વારંવાર સાબુ/સેનેટાઈઝરથી હાથ ધોતા રહીએ અને જરૂરી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરીએ.
જયારે આયુષ મંત્રાલયએ આપેલા સુચન મુજબ પરિવાર સાથે ઉકાળાનું સેવન કરીએ. ડોક્ટર્સની સલાહ અનુસાર ઝીંક અને વિટામીનની સ્વાસ્થ્યવર્ધક દવાઓ લઈએ. મનને ખુશ રાખવા માટે ગમતી પ્રવૃતિઓ કરીએ. જેમ કે, હળવું સંગીત સાંભળીએ, યાદશક્તિ વધે તેવી ગેમ રમીએ અને સકારાત્મકતા સાથે જ્ઞાનમાં વધારો થાય તેવા પુસ્તકોનું વાંચન કરીએ.
મનમાં ચેતનાનો સંચાર કરવા યોગ-ધ્યાન ખુબ લાભદાયી છે. દીર્ઘાયુ જીવન અને શારીરિક સ્વાસ્થ્ય માટે યોગાસનો અસરકારક છે. મનના તણાવને દૂર કરવા માટે અનુલોમ-વિલોમ, ત્રિકોણાસન અને હલાસન કરવું. તેમજ શિયાળો એટલે ગુણકારી એવા લીલોતરી શાકભાજીની સીઝન. તેથી ભોજનમાં લીલોતરી શાકભાજી લઇએ કે જેથી શરીરને જરૂરી વિટામીન્સ મળી રહે. સાથો સાથ વિટામીન-સી યુક્ત ફળ-ફળાદિનો પણ ઉપયોગ કરીએ.
આજે વિશ્વનો દરેક નાગરીક આ મહામારી સામે લડાઈ લડી રહ્યો છે. કોરોના વોરીયર્સ રાત-દિન લોકોની સેવા-સુશ્રુષા કરી રહ્યા છે. કોરોનાનો ખાતમો ત્યારે જ બોલાવી શકીશું જ્યારે આપણે આપણા તેમજ અન્યોના આરોગ્ય માટે સાવચેતી અને તકેદારીના પગલાંઓનું પાલન કરીશું. આ સમય છે સોશ્યિલ ડીસ્ટન્સ રાખીને સાથે રહેવાનો, કારણ વગર બહાર જવાનું ટાળવાનો, વડીલો-બાળકોનું ખાસ ધ્યાન રાખવાનો, આ સમય છે સમજદાર નાગરિક બની સરકારને મદદરૂપ થઈને મહામારીને પરોક્ષ રીતે રોકવાનો. તો ચાલો આજથી જ આપણે સૌ એક જાગૃત નાગરીક બની કોરોનાને હરાવવાના સરકારના આ ભગીરથ કાર્યમાં લાગી જઈએ. અને કોરોનામુકત સમાજનું નિર્માણ કરીએ.
