
નળ સરોવર પક્ષી અભયારણ્યના નાયબ વનસંરક્ષકશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે નળસરોવર પક્ષી અભયારણ્યના સ્ટાફના 20/11/2020ના રોજના બોટ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરતાં બે જીવિત કૂટ પક્ષી(Common coot) મળી આવ્યા છે. આ પક્ષીઓને મુક્ત કરવામા આવ્યા છે.
ગાંધીનગર,વન્યજીવ વર્તુળના વન સંરક્ષકશ્રી ડો.બી.સુચિન્દ્રા તેમજ અન્ય સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો, ત્યારે આ સફળતા મળી હતી.વન વિભાગે પકડાયેલા વ્યક્તિ – લક્ષ્મણભાઈ જેરામભાઈ દેવથળા (નીની કઠેચી) સામે વન્યજીવ અધિનિયમ -1972 હેઠળ શિકારનો ગુનો નોંધ્યો છે. લીમડી કોર્ટે આરોપીની વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે વન્ય જીવ અધિનિયમ -1972માં અભયારણ્ય વિસ્તારમાં શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિ માટે ત્રણ થી સાત વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ગુનો બિનજામીનપાત્ર છે.
