
રાજકોટ, સરકારે લગ્ન સમારંભમાં ૧૦૦ લોકોને હાજર રહેવાની મંજૂરી આપી છે
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ વિભાગ હરકતમાં આવ્યું છે. રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસમાં પોલીસે ૩૪૯ લોકો સામે જાહેરનામા ભંગના કેસ, સોશિયલ ડિસ્ટન્સનાં ૧૯૨ અને ૨૩૪ વાહનો ડિટેઇન કર્યા છે. તો બીજી તરફ લગ્નને લઇને ૫૬૧ અરજીઓ આવતા ૧૦૦ કરતા વધુ લગ્ન માટેની મંજૂરીઓ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્રમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે સૌથી વધુ કોરોનાનાં કેસ રાજકોટમાં નોંધાઇ રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં રાત્રી કફ્ર્યુ લગાવવામાં આવ્યું છે ત્યારે રાજકોટ પોલીસ દ્વારા રાત્રી કફ્ર્યુનું ચુસ્ત પાલન કરાવવામાં આવી રહ્યું છે. રાજકોટનાં ડીસીપી ઝોન ૨ મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રાત્રી કફ્ર્યુમાં રાજકોટવાસીઓનો ખુબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ૪૦ ચેક મુખ્ય પોસ્ટ અને ૩૨ ઇન્ટરનલ ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે.
ત્રણ દિવસ દરમિયાન કફ્ર્યુ ભંગનાં ૩૪૯ કેસ, સોશ્યલ ડિસ્ટન્સનાં ૧૯૨ કેસ અને ૨૩૪ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. કરફ્યૂની અમલવારી થઇ તે પહેલા જ અલગ-અલગ ઉદ્યોગીક એસોશિએશનો અને હોટલ, પાર્ટીપ્લોટનાં એસોશિએશન સાથે બેઠક કરી હતી. જેમાં ઉદ્યોગોમાં રાત્રિ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓને સાંજે ૭થી સવારે ૭ વાગ્યા સુધીની શિફ્ટ કરવાની ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે રાજકોટનાં વિવિધ પોલીસ સ્ટેશનમાં ૫૬૧ લગ્ન માટેની મંજૂરીની અરજીઓ આવી છે. જેમાંથી ૧૦૦ કરતા વધુ લગ્નને દિવસે લગ્ન માટેની મંજૂરી આપવામાં આવી છે. રાત્રી કરફ્યૂમાં મેડિકલ સ્ટાફ, પ્રેસ-મીડિયા અને સરકારી ઓન ડ્યુટી અધિકારીઓને જ બહાર નિકળવા દેવામાં આવશે.
