રાજકોટમાં સિટી બસમાં ડ્રાઈવર દ્વારા યુવતીની છેડતી કર્યાની ઘટના આવી સામે…


રાજકોટમાં કોલેજીયન યુવતીની સિટી બસમાં ડ્રાઈવર દ્વારા છેડતી કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે યુવતી રોષે ભરાઈ હતી અને તેણે સરા જાહેર ડ્રાઈવરને તમાચા ઝીંક્યા હતા. જેને પગલે લોકોનું ટોળું એકઠું થયું હતું. હાલ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. છેડતી કરનાર ડ્રાઈવર રૂમાલથી પોતાનો ચહેરો છૂપાવી રહ્યો છે. જ્યારે યુવતી અત્યંત રોષે ભરાઈ છે અને ડ્રાઇવરને બેફામ ગાળો ભાંડીને તેને તમાચા મારવા દોડે છે. એ સમયે ડ્રાઈવરની સાથે રહેલા કંડક્ટરે ડ્રાઈવરનો બચાવ કરવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. છતાં પણ રોષે ભરાયેલી યુવતીએ તેની પાસે જઈને એક બાદ એક તેને તમાચા માર્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. જાે કે, આ અંગે પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકોટમાં સિટી બસના ડ્રાઈવર અવારનાર તેમની બેદરકારીના કારણે પોલીસના ચોપડે ચડી ચુક્યા છે. આજથી ૮ મહિના પહેલા શહેરના માલવિયા ચોક ખાતે સવારના સમયે સિટી બસચાલક દ્વારા બાઈકચાલક વૃદ્ધને ફડાકા ઝીંકી બેફામ માર મારવામાં આવ્યો હતો. અને રસ્તા વચ્ચે સિટી બસ ઊભી રાખી ટ્રાફિકજામ કરી દીધો હતો. આ સમયે રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈકચાલક વૃદ્ધને ગાળો ભાંડી ફડાકા ઝીંકી બેફામ માર માર્યો હતો અને જાહેરમાં લુખ્ખાગીરી કરી રોફ જમાવ્યો હતો. જેને પગલે પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

ક્રાઇમ ડાયરી