અમરેલી જિલ્લાના બીચ પર કેન્દ્રીય મંત્રીએ સફાઈ અભિયાન હાથ ધર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનના કાર્યક્રમો દરિયા કાંઠાના વિસ્તારમાં યોજાઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટના દરિયાકાંઠે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જાફરાબાદ તાલુકાના સર્કેશ્વર દરિયાઈ બીચ નજીક યોજવામાં આવ્યો હતો અને રાજુલા જાફરાબાદના દરિયા કાંઠે અલગ અલગ પોઇન્ટ ઉપર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોદ્દેદારો દ્વારા સફાઈ કરી આ અભિયાનને સફળ બનાવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં અમરેલી જિલ્લાના સામાજિક શૈક્ષણિક બાપ્સ વિશ્વહિન્દુ પરિષદ,બજરંગદળ સહિત સંસ્થાઓ અને પીપાવાવ કોસ્ટગાર્ડ નેવીના જવાનો પણ જાેડાયા હતા. આ અભિયાનમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલા, દિલીપ સંઘાણી, ભાજપ નેતા હીરા સોલંકી, જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા, પ્રદેશ નેતા મહેશ કસવાળા, સાંસદ નારણ કાછડિયા, ડો.ભરત કાનાબાર, રવુભાઈ ખુમાણ સહિત નેતાઓ જાેડાયા હતા. દરિયાકાંઠે સફાઈ કરી અને દરિયાકાંઠે કચરો ન ફેંકાય તેમજ લોક જાગૃતિ અવેરનેસ આવે તે માટે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જાેડાયા હતા. રાજુલા, જાફરાબાદના દરિયા કિનારાની સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સર્કેશ્વર, ધારા બંદર, ચાચ બંદર, રતનેશ્વર, વરૂડી, રોહિસા,બલાણા સહિત મોટાભાગના પોઇન્ટ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

પર્યાવરણ સમાચાર