મેન્યુફેક્ચરર્સની જાહેરાત, ઈંટ પર ૧૨ % જીએસટીના વિરોધમાં ઓક્ટોબરથી ઉત્પાદન થશે બંધ



૨૦ હજાર ચોરસ મીટરથી મોટા બાંધકામમાં લાલ ઈંટનો ઉપયોગ ન કરવા તેમ જ ઈંટ ભઠ્ઠા ઉદ્યોગ પર સરકાર દ્વારા જીએસટી ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરી દેવાતા ગુજરાત સહિત દેશભરમાં ઈંટ ઉત્પાદકો કફોડી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા આ ઉદ્યોગ પર લગાવવામાં આવેલા પ્રતિબંધો હટાવવાની સાથે જીએસટી ઘટાડવા સહિત અન્ય માગણીઓ સાથે ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે. સાથે જ જાે સરકાર દ્વારા આ અંગે વહેલી તકે યોગ્ય ર્નિણય લેવામાં નહીં આવે તો ઓક્ટોબરથી શરૂ થતી સિઝનમાં ઈંટોનું ઉત્પાદન નહીં કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે, જેના કારણે હજારો શ્રમિકો બેરોજગાર થવાની સાથે બાંધકામો અટકી પડે તેવી શક્યતા છે. ફેડરેશનના મહામંત્રી મહેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું કે, પર્યાવરણ વિભાગ દ્વારા પ્રદુષણના નામે ઈંટ ઉત્પાદન માટે ઝીગઝેગ પદ્ધતિનો ઉપયોગ કરવા તેમ જ એક યુનિટથી બીજા યુનિટ વચ્ચે ૧ કિલોમીટરનું અંતર રાખવા, રહેઠાણ વિસ્તારથી યુનિટ ૮૦૦ મીટર દૂર રાખવાના નિયમો લાગુ કર્યા છે, જે ઉત્પાદકો માટે શક્ય નથી. દેશમાં વપરાતી કુલ ઈંટોમાંથી ૮૦ ટકા ઉત્પાદન ઈંટ ભટ્‌ઠા ઉદ્યોગ પૂરી પાડે છે. ત્યારે આ ઉદ્યોગ પર સરકાર દ્વારા જીએસટી ૫ ટકાથી વધારી ૧૨ ટકા કરી દેવાતા ઉદ્યોગ પર વિપરીત અસર પડી રહી છે અને આ ઉદ્યોગ સાથે જાેડાયેલા લાખો શ્રમિકો તેનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. ફેડરેશને ઇંટ ભટ્ટામાં કામ કરતા શ્રમિકો માટે અલગ કાયદો બનાવી સામાજિક સુરક્ષા, આરોગ્ય અને એક્સિડન્ટ વીમાના લાભ આપવા તેમ જ ઈંટના વપરાશને મર્યાદિત કરતું નોટિફિકેશન પાછું ખેંચવાની માગણી કરવામાં આવી છે. ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત મહેસાણા, ચરોતર, વડોદરા, સુરત, ગોધરા, સાબરકાંઠા, દાહોદ તેમ જ સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે મહત્તમ ઈંટોનું ઉત્પાદન કરવામાં આવે છે. રાજ્યમાં ૧૨૦૦ મોટા ઈંટ ઉત્પાદકો છે જેઓ વર્ષે સરેરાશ ૪૨૦૦ કરોડ ઈંટોનું ઉત્પાદન કરે છે. એજ રીતે ૨૫ હજાર જેટલા નાના ઉત્પાદકો પણ છે, જેઓ વર્ષે સરેરાશ ૬૨૫ કરોડ ઈંટોનું ઉત્પાદન કરે છે. સરકારની પોલિસી મુજબ, શહેરી વિસ્તારોમાં ૬૦ ટકા બાંધકામો માટે ફ્લાયએશથી તૈયાર થયેલા બ્લોકનો ઉપયોગ થઈ રહ્યો છે. આ બ્લોકનું આયુષ્ય વધુ હોતું નથી અને લગભગ ૧૫ વર્ષ પછી બ્લોક તૂટવા માંડે છે અને તેનાથી પ્રદૂષણ વધવાની શરૂઆત થઈ જાય છે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ ૮૦ ટકા જેટલું બાંધકામ ઈંટોથી થઈ રહ્યું છે. ઈંટોનું આયુષ્ય લાંબુ લગભગ ૩૦ વર્ષથી લઈ ૧૦૦ વર્ષ સુધીનું હોય છે.

બ્રેકીંગ ન્યૂઝ