યુવકે તેના મિત્ર સાથે મળી યોજના બનાવી ડોલર રૂપિયામાં બદલવાના નામે ઠગતા ગઠિયાને ઝડપ્યો



ડોલરમાંથી રૂપિયા કન્વર્ટ કરવાના બહાને ત્રણ શખ્સોએ કલોલના રવિ પટેલ નામના યુવાનને વિશ્વાસમાં લઈ ડોલર જમા કરાવી દીધા હોવાનું કહી રૂપિયા ૪૫ લાખની છેતરપિંડી આચરી છેતરપિંડીનો બનાવ કલોલ શહેર પોલીસ મથકમાં નોંધાયો છે. રવિભાઈ હસમુખભાઈ પટેલ (રહે. સૂર્ય કિરણ ફ્લેટ, કલોલ) ગાંધીનગર ખાતેની એક સોફ્ટવેર કંપનીમાં નોકરી કરે છે. રવિભાઈના મિત્ર સંકેતભાઈ અમૃતભાઈ પટેલ જેવો છેલ્લા ૫ વર્ષથી અમેરિકાના બોસ્ટન ખાતે રહે છે. કોઈ રાકેશ મહેન્દ્રભાઈ પટેલ વિરમગામનો સંકેતભાઈ ઉપર ફોન આવ્યો હતો અને જણાવતો હતો કે, મારી પાસે ૫૮૦૦૦ ડોલર છે. જેને રૂપિયામાં ટ્રાન્સફર કરવાના છે. જેથી તમારી પાસે કોઈ પૈસા ટ્રાન્સફર કરી આપે એવા વ્યક્તિ હોય તો મારું આ કામ કરી આપો. જેની આખી વાત અમેરિકા ખાતે રહેતા સંકેતભાઈએ કલોલમાં રહેતા રવિને જણાવી હતી. જેથી રવિ પટેલે અમદાવાદમાં રહેતા વિશાલભાઈ રાજેન્દ્રભાઈ ભાવસારને ૫૮,૦૦૦ ડોલરનું અમુક ટકા કમિશન લઈ ભારતીય પૈસામાં કન્વર્ટ કરવા માટે જણાવ્યું હતું. જેથી વિશાલ ભાવસારે તૈયારી બતાવી હતી. જેથી ડોલર જમા કરાવવા વિશાલભાઈ ભાવસાર દ્વારા ૭ અલગ અલગ ખાતા નંબર સાથે ખાતાની ડિટેલ્સ રવિને મોકલી હતી. જે તમામ ડિટેલ્સ રવિભાઈએ અમેરિકા રહેતા તેમના મિત્ર સંકેતને મોકલી આપી હતી અને સંકેતે આરોપીને મોકલી આપી હતી. દરમિયાન કલોલમાં રહેતા રવિ ઉપર અમેરિકાથી સંકેતે ફોન કરી કહ્યું હતું કે વિશાલભાઈ ભાવસારે જે ૭ ખાતાની ડિટેલ્સ આપી હતી તેમાંના ખાતામાં ટુકડે ટુકડે કુલ ૫૮,૦૦૦ જમા કરાવી નાખ્યા છે. જેની મનીગ્રામની સ્લીપો તેમજ બેંકમાં જમા કરાવેલાની પહોંચ વોટ્‌સએપ દ્વારા મોકલી આપું છું. જેથી કલોલમાં રહેતા રવિએ આ તમામ મની ગ્રામની સ્લીપો તેમજ બેંકના ખાતામાં ભરેલા પૈસાની પહોંચની સ્લીપો આંગડિયા વાળા વિશાલભાઈ ભાવસરને મોકલી આપી હતી. રવિ ઉપર ભરોસો રાખીને વિશાલે ફક્ત સ્લીપો ઉપર જ આરોપીઓએ જણાવેલ ખાતા નંબરમાં ભારતીય નાણા અલગ અલગ ખાતામાં કુલ ૪૫ લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા.ત્યાર બાદ આંગડિયા વાળા વિશાલભાઈ દ્વારા રવિને જાણવા મળ્યું કે, રાકેશભાઈએ મોકલાવેલી મનીઓર્ડરની સ્લીપો તેમજ એકાઉન્ટમાં ભરેલા પૈસાની પહોંચ બનાવટી અને ખોટી છે. રાકેશભાઈએ આપેલી મની ગ્રામની પહોંચ નકલી છે. અમેરિકામાં રહેતા સંકેતે તરત જ રાકેશના મોબાઈલ નંબર ઉપર ફોન કર્યો તો રાકેશનો મોબાઇલ નંબર બંધ આવતો હતો. રવિએ તપાસ કરતાં આવા નામના કોઈ ઈસમ છે જ નહીં અને રવિ સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થઈ હતી. તા. ૬ સપ્ટેમ્બરના રોજ અમેરિકાથી સંકેતનો ફોન રવિ ઉપર આવ્યો ત્યારે તેમાં તેણે જણાવ્યું કે, છેતરપિંડીના પ્લાન સાથે આરોપી રાકેશે ફરીથી મારા એક મિત્રને ફોન કર્યો છે. જેમાં આરોપી રાકેશે ૨૪,૫૦૦ ડોલરમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી આપવાની વાત કરી છે. જેથી રવિએ છટકું ગોઠવી સંકેતની મદદથી ત્રણ એકાઉન્ટ નંબર આરોપી રાકેશને મોકલ્યા હતાં. આરોપીએ અગાઉ કરેલી છેતરપિંડી મુજબ વોટ્‌સએપ દ્વારા બનાવટી મનીગ્રામની સ્લીપો મોકલી વડોદરામાં અલકાપુરી બરોડા બેંકના ખાતામાં ૧૯,૧૩,૪૫૦નું આંગળીયુ કર્યું હોવાનું જણાવતા રવિ તેમજ તેના મિત્રો આરોપીની રાહ જાેઈને બેઠા હતા કે આ પૈસા લેવા માટે કોણ આવે છે. આરોપીનો માણસ આંગડિયામાં પૈસા લેવા માટે આવ્યો એવી જાણ રવિને થતા રવિ તેમજ તેના મિત્રોએ તે શખ્સને ઝડપી પાડ્યો હતો. જેની પૂછતાછમાં તેને અગાઉ પણ ૪૫ લાખ રૂપિયાની રવિ સાથે છેતરપિંડીની કબુલાત કરી હતી. તેમજ આરોપી સાથે અન્ય ઈસમો નજીકમાં ગાડીમાં જ બેઠેલા હોવાનું જણાવ્યું હતું. જેથી અન્ય સાથીદારોને પણ ઝડપી લીધા હતા પોલીસે આવી આ ચારેય ઈસમોને ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગઇ હતી. રવિએ ગોત્રી પોલીસમાં જાણ માટે અરજી આપી હતી. કલોલના રવિએ આરોપી રાકેશભાઈ મહેન્દ્રભાઈ પટેલ, તેજસભાઈ મહેશભાઈ પટેલ તેમજ ધર્મેશભાઈ મંગળભાઈ પટેલ જેના સાચા નામ ખબર નથી, તેમ જ સરનામા પણ ખબર નથી તમામ સામે કલોલ પોલીસે ગુનો નોંધ્યો હતો.

ક્રાઇમ ડાયરી