
ઉત્તરાખંડના જાેશીમઠમાં વધુ ૨૩ ઘરમાં તિરાડો પડી છે. મંગળવાર સુધી સરવે ટીમે ૮૪૯ તિરાડો ધરાવતા ઘર ઓળખીને ક્રોસ માર્ક કર્યા છે. તેમાંથી ૧૫૫ ખાનગી અને દસ વેપારી મકાન સંપૂર્ણપણે અસુરક્ષિત મનાયાં છે. આ કારણસર અત્યાર સુધી તેમાં રહેતા ૨૩૭ પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડી દેવાયા છે. વિસ્થાપિત પરિવારોમાંથી ૫૮ ભાડાનાં મકાનોમાં રહેવા જતા રહ્યા છે. બાકીના લોકોની વ્યવસ્થા સરકારે કરી છે. આ દરમિયાન દર્દ અને લાચારીની પણ તસવીર સામે આવી છે. વિસ્થાપિત પરિવારોને તંત્રએ હોટલોમાં આશરો આપ્યો છે, પરંતુ મુશ્કેલી એ છે કે એક રૂમમાં ત્રણ-ત્રણ પરિવારને રખાયા છે. તેથી તેમને સૂવાની પણ યોગ્ય જગ્યા મળતી નથી. સૌથી વધુ મુશ્કેલી એ મહિલાઓને છે, જેમનાં બાળક છ મહિના સુધીના જ છે. જાેકે, રાહતની વાત એ છે કે ખાવા-પીવાની કોઈ મુશ્કેલી નથી. તમામ શિબિરો અને હોટલોમાં તંત્રએ ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત જાેશીમઠનાં બજારોમાં પણ કોઇ ચીજવસ્તુની અછત નથી. બીજી તરફ, તંત્રએ નક્કી કર્યું છે કે, જાેશીમઠમાં સૌથી નીચેના હિસ્સામાં વસેલી જે.પી. કોલોનીમાં ભવિષ્યના જાેખમને જાેતા અસરુક્ષિત ઘરોને તોડી પડાશે. અહીં કેટલાંક ઘરોમાં તિરાડોમાંથી પાણી પડવાનું પ્રમાણ ઘટ્યું છે. જાેશીમઠમાં પહેલાં ૫૪૦ લિટર પ્રતિ મિનિટ પાણી પડતું હતું, જે મંગળવારે ૧૬૩ લિટર પ્રતિ મિનિટ થઇ ગયું છે. પહેલી ફેબ્રુઆરીએ જાેશીમઠની તમામ દસ સ્કૂલમાં શિયાળુ વેકેશન પૂરું થઇ જશે. સ્કૂલ જતાં બાળકો અને તેમનાં વાલીઓને ચિંતા એ છે કે,તંત્રએ આશરો આપ્યો છે ત્યાંથી સ્કૂલ દૂર છે. આ ઉપરાંત એક રૂમમાં ૧૬ લોકો રહે છે. આ સ્થિતિમાં બાળકોને પરીક્ષાની તૈયારીમાં મુશ્કેલી પડી રહી છે. હાઇસ્કૂલ વિદ્યાર્થિની પલ્લવી રાણા કહે છે કે જ્યારથી આ આફત આવી છે ત્યારથી હું વાંચી નથી શકી. કુદરતી આફતની વાત મગજમાંથી જતી જ નથી. બીજી તરફ, રાજ્ય સરકારે બોર્ડના વિદ્યાર્થીઓને તેમનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની છૂટ આપી છે. હવામાન વિભાગે કહ્યું છે કે જાેશીમઠ, ઓલી સહિત અન્ય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ પડી શકે છે. તેનાથી તંત્રની સાથે રાહત શિબિરોમાં રહેતા લોકોની ચિંતા વધી ગઇ છે. સૌથી વધુ તણાવ એ પરિવારોને છે જેમનાં ઘરોમાં તિરાડો હોવા છતાં શિફ્ટ નથી કરાયા. તેમનું કહેવું છે કે આ તિરાડો પહોળી થઇ શકે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના સચિવ ડૉ. રંજીત સિંહા કહે છે કે, આ સ્થિતિ જાેવા અમારી ટીમે ફરી જાેશીમઠની મુલાકાત લીધી છે. જાેશીમઠમાં ભૂસ્ખલનથી ભગવાન બદ્રી વિશાલના ખજાનાની ચિંતા પણ વધી ગઇ છે. જાે સ્થિતિ વધુ બગડશે તો બદ્રીનાથ ધામનો ખજાનો પીપલકોટીમાં મંદિર સમિતિના નિરીક્ષણ ભવનમાં શિફ્ટ કરાશે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિએ કહ્યું છે કે, જરૂર પડશે તો નિરીક્ષણ ભવનના હૉલને સ્ટ્રોંગ રૂમમાં ફેરવી દેવાશે. મંદિર સમિતિના અધિકારીઓ સાથે પણ ખજાનાની સુરક્ષાને લઇને પણ ચર્ચાવિમર્શ કરાયો છે.
