
પ્રોફે. પ્રકાશકુમાર સુથાર
કેન્દ્ર સરકાર પુરસ્કૃત યુવા લેખક
વિશ્વ + કર + મા =વિશ્વકર્મા.
વિશ્વ એટલે જગત અને કર એટલે હાથ.
જેમના હાથ વડે વિશ્વની રચના થઈ છે એ દેવ એટલે ભગવાન વિશ્વકર્મા. દેવોના પ્રખર સ્થપતિ તરીકે ઓળખાતા ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્ર અને માનવજીવને ઉપયોગી વિજ્ઞાનના પ્રણેતા માનવામાં આવે છે. સૃષ્ટિના રચયિતા, કર્તા, હર્તા, જ્ઞાન-વિજ્ઞાનના અધિષ્ઠાતા ભગવાન વિશ્વકર્મા મનાય છે.
સૃષ્ટિના પ્રથમ પ્રવર્તક ભગવાન વિશ્વકર્માનું પ્રાગટ્ય માગશર સુદ અમાસના દિવસે થયું હતુ. તેથી કારીગર વર્ગ અમાસનો અણોજો પાળે છે. આ સિવાય, મહા સુદ પાંચમના દિવસે ઈલોરગઢ ઉપર આગમન અને મહા સુદ તેરસના દિવસે કૈલાસ - વૈકુંઠની રચના કરેલી, દશેરાના દિવસે પુત્રોને હથિયારની વહેંચણી કે સોંપણી કરેલી અને શ્રાવણ સુદ અગિયારસના દિવસે દેવલોકગમન કરેલું. કારીગર વર્ગ મહા સુદ તેરસને 'વિશ્વકર્મા જયંતી' તરીકે ધામધૂમથી હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. એક રીતે જોવા જઈએ તો, મહા સુદ તેરસ એ સર્વે માનવજાતના ઉત્થાનનો તહેવાર છે.
ભારતીય પુરાણોમાં વિશ્વના સૌથી પહેલા સ્થપતિ અને રચયિતા તરીકે વિશ્વકર્મા ભગવાનનો ઉલ્લેખ કરે છે. ૠગ્વેદમાં લખ્યું છે કે, 'પૃથ્વી, જળ અને સર્વ જીવ સૃષ્ટિના નિર્માતા શ્રી વિશ્વકર્મા પ્રભુ છે.' જ્યારે પુરાણોમાં લખ્યુ છે કે, 'વિશ્વકર્માએ ૠતુઓની પ્રાણના કરી ૠતુઓના ગુણ અને વાતાવરણ પ્રમાણે ૠતુઓના નામ પાડ્યા હતા.' સ્કંદ પુરાણમાં સૃષ્ટિના સર્જક દેવ કે દેવભવનોના નિર્માતા વિશ્વકર્માને ગણાવવામાં આવ્યા છે. વિષ્ણુ પુરાણમાં વિશ્વકર્માને દેવતાઓના શિલ્પકાર ગણાવ્યા છે.
અમરકોશમાં નોંધ્યા મુજબ, 'માક્ષે ધી જ્ઞાન મન્યત્ર વિજ્ઞાન મન્યત્ર વિજ્ઞાન શિલ્પ શાસ્ત્ર.' ભારતીય ૠષિમૂનિઓેએ વિશ્વકર્માને 'ભૂમાદેવ' કહ્યા છે. ભૂ એટલે ભૂમિ. ભૂમિનું નિર્માણ કરનાર દેવ એટલે ભૂમાદેવ.
વિશ્વકર્મા ચર્તુબાહુ યક્ષ માલાચ પુસ્તકમ્ ।
કંબા કમંડલ દ્યત્રે ત્રિનેત્રો હંસ વાહન ।।
પ્રાચીન ગ્રંથોમાં સૃષ્ટિના શિલ્પ અને વિજ્ઞાનના પ્રથમ પ્રવર્તક શ્રી વિશ્વકર્મા ભગવાનનાં અનેક સ્વરૂપો દર્શાવવામાં આવ્યાં છે. તેઓ મોટાભાગે વૃધ્ધ સ્વરૂપે છે. પ્રચલિત સ્વરૂપમાં એક હાથમાં કંબાસૂત્ર, બીજા હાથમાં જ્ઞાનસૂત્ર ત્રીજામાં કમંડળ (જળપાત્ર) અને ચોથા હાથમાં પુસ્તક ધારણ કરેલું છે. હંસ ઉપર બિરાજતા વિશ્વકર્મા પ્રભુને ત્રણ નેત્રો છે. મસ્તકમાં મુગટ શોભે છે. તેમનું વાહન હંસ ન્યાયી શક્તિનું પ્રતિક છે.
ધર્મગ્રંથોમાં વિશ્વકર્માને બ્રહ્માના વંશજ માનવામાં આવે છે. બ્રહ્માના પૌત્ર વાસ્તુદેવ અને અંગિરસી (અંગીરા) નામની પત્નીથી વિશ્વકર્મા અવતર્યા હોવાનું મનાય છે. જોકે, મોટાભાગે વિશ્વકર્માનું સ્વરૂપ વૃધ્ધકાય દેખાય છે. બીજી એક માન્યતા મુજબ, વિષ્ણુ એ વિશ્વકર્મા રૂપ ધારણ કરેલું. જોકે, વિશ્વકર્મા પુરાણમાં દર્શાવ્યા મુજબ, બ્રહ્માએ અંડાકાર બ્રહ્માંડની રચના કરી તેને કમળ પર મુક્યુ. પરંતુ એ બ્રહ્માંડ સ્થિર ન થતાં, આકાશવાણી થઈ કે તમારા શરીરમાંથી એક નવું તમારા જેવું જ સ્વરૂપ ઉત્પન્ન કરો. બ્રહ્માજીએ ઉત્પન્ન કરેલ નવું સ્વરૂપ વિશ્વકર્મા ભગવાન તરીકે ઓળખાયા. વિશ્વકર્માએ બ્રહ્માંડ સ્થિર કર્યું અને એક માનવ પિંડ બનાવ્યો. જે વિરાટ પુરૂષ તરીકે ઓળખાયો. તે વિરાટ પુરૂષમાંથી સમગ્ર સૃષ્ટિ રચના થઈ.
ત્રણ લોક અને સમસ્ત વિશ્વના સર્જક શિલ્પ શાસ્ત્રના પ્રણેતા ભગવાન વિશ્વકર્માએ દસ અવતારો ધારણ કર્યા હોવાના ધાર્મિક ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે. ભગવાન વિશ્વકર્માના પાંચ પુત્રોમાં (૧) મનુ - લોહ સબંધિત કાર્ય કરનાર : લુહાર, પંચાલ, (૨) મય (વામદેવ) : કાષ્ઠકલાના જાણકાર - સુથાર, (૩) ત્વષ્ટા (અઘોર) : કાંસ્યકલાના જાણકાર - કંસારા, (૪) શિલ્પી (તત્પુરુષ) : શિલ્પ કલાના જાણકાર, કડીયા કે સોમપુરા, (૫) દેવજ્ઞ (ઈશાન) સુવર્ણકાર - સોની વગેરેનો સમાવેશ થાય છે. આ સિવાય, વિશ્વકર્માએ વાસ્તુપુરુષને પોતાનો પુત્ર ગણાવ્યો છે. નવા મકાનના ગૃહપ્રવેશ દરમ્યાન સૌપ્રથમ વાસ્તુપુરૂષની પૂજા કરવામાં આવે છે.
વિશ્વકર્માએ પ્રથમ ઓજાર 'ગજ' આપ્યો હતો. ગજના બે પ્રકાર હોય છે. (૧) સુક્ષ્મ ગજ, (૨) સાકાર ગજ. ગજ ચોવીસ ઈંટનો હોય છે. જેમાં દરેક ઈંચે અલગ અલગ દેવોનો વાસ હોવાનું મનાય છે. જે ગજમાં નવમા ઈંચે ભગવાન વિશ્વકર્માનો વાસ છે. ભગવાન ૬૪ કલાઓના જાણકાર હતા.
ભગવાન વિશ્વકર્માએ દેવોના મહેલો અને મંદિરોનું નિર્માણ કર્યું હતું. આ સિવાય, ૧૪ લોકનું નિર્માણ કર્યું હતું જેમાં, પૃથ્વીલોક ઉપર સત્યલોક, જનલોક, સ્વર્ગલોક, ભૂલોક, ભૂવર્લોક, મહર્લોક અને તપલોક અને પાતાળલોકમાં પાતાળ, રસાતાળ, સતલ, વિતલ, અતલ, મહાતલ અને તળાતળનું નિર્માણ કર્યું હતુ. સ્વર્ગ, કૈલાસધામ, હસ્તિનાપુર, દ્વારિકા, ત્રિપુરા નગરી, વૃદાવન, ઈન્દ્રપ્રસ્થ, લંકા, યમપુરી, વરૂણપુરી, કુબેરપુરી, સુદામાપુરી વગેરેનું નિર્માણ વિશ્વકર્માએ કર્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાં આવેલાં ભગવાન વિશ્વકર્માનાં મંદિરો
બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ ભગવાન વિશ્વકર્માના મંદિરનું નિર્માણ સૂઈગામ તાલુકાના કટાવધામમાં થયું હતું. મિની અયોધ્યા તરીકે ઓળખાતા કટાવધામમાં સવંત ૧૯૭૫માં વિશ્વકર્મા ભગવાનની પધરામણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ. સ. ૧૯૮૯માં ડીસા ખાતે મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. ધાનેરા ખાતે ઈ.સ. ૧૯૯૯માં મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ સિવાય, પાલનપુર અને પાંથાવાડા ખાતે વિશ્વકર્મા ભગવાનનાં મંદિરો આવેલાં છે. વાવ તાલુકાના ઢીમા ગામમાં વિશ્વકર્મા ભગવાનનાં બે મંદિરો બનાવવામાં આવ્યાં છે. ગજ્જર સુથાર સમાજ અને મારવાડી સુથાર સમાજ દ્વારા અલગ અલગ મંદિરો બનાવવામાં આવ્યાં છે. ઈ.સ. ૨૦૧૭માં અંબાજી ખાતે વિશ્વકર્મા ભગવાનના મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

