શિયાળો શરૂ થતાં સક્કરબાગ ઝૂના પ્રાણી-પક્ષીની સુવિધામાં વધારો કરાયો

જૂનાગઢમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઠંડીથી બચવા લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે ત્યારે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના પ્રાણી-પક્ષીઓને ઠંડી ન લાગે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે સાથો સાથ તેમના ખોરાકમાં પણ વધારો કરાયો છે. જેમાં પક્ષીઓના પાંજરાને કપડાથી ઢાંકી દેવામાં આવ્યા છે. તૃણાહારી પ્રાણીઓ માટે સુકા ઘાસનો બેડ બનાવી અપાયો છે અને માંસાહારી પ્રાણીઓને ઠંડીથી બચવા માટે હિટર પણ મુકવામાં આવ્યા છે. તેમજ સરીસૃપ પ્રાણીઓ બલ્બ મુકવામાં આવ્યા છે જેથી કડકડતી ઠંડીથી પ્રાણી, પક્ષીઓને રક્ષીત કરી શકાય. સક્કરબાગ ઝૂના આરએફઓ મકવાણાના જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુમાં માંસાહારી પ્રાણી જેવા કે, સિંહ, વાઘ, દિપડા, ઝરખ, શિયાળ, જંગલી કુતરા, બિલાડી અને કેરાકલ સહિતના પ્રાણીઓના ખોરાકમાં વધારો કરાયો છે. તે ઉપરાંત ઝૂના તમામ પ્રાણી-પક્ષીના ખોરાકમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ઉનાળા અને ચોમાસાની ઋતુમાં સિંહને ૮ કિલો માંસ અપાય છે જ્યારે હવે શિયાળામાં તેના ખોરાકમાં વધારો કરી ૧૦ કિલો માંસ આપવામાં આવે છે.

પર્યાવરણ સમાચાર