ગાંધીનગર જિલ્લાના સાત ગામના ૧૬૨૮ મિલકત ધારકોને તેમના મિલકત કાર્ડ કલેકટરશ્રીના હસ્તે અર્પણ કરાયા

ગાંધીનગર: સોમવાર:
રાજયના પાટનગર ગાંધીનગરની સ્થાપના સમયે અસરગ્રસ્ત થયેલ ખેડૂતોને આજે તેમની મિલ્કતના આધાર પુરાવા માટે જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યના હસ્તે પ્રોપટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. હક્ક ચોકસી અધિકારીની કચેરી દ્વારા કુલ- ૭ ગામના ૧૬૨૮ પ્રોપ્રટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. હાલમાં પણ આ કામીગીરી ચાલું છે.આ કામગીરી પૂર્ણ થતાં મિલકત ધારકોને જેટલો આનંદ છે, તેટલો જ સંતોષ મને થયો છે, તેવું કહી જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્યએ વધુમાં જણાવ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયાને સુચારું રીતે પાર પાડવામાં નિવાસી અધિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા અને હક્ક ચોકસી અધિકારીની કચેરીના કર્મયોગીની ભૂમિકા મહત્વની છે. ગાંધીનગરની રચનામાં ૧૨ ગામોની જમીન સરકાર દ્વારા અધિકૃત કરવામાં આવી હતી. તે પછી ધણા લાંબા સમયથી આપને આપનો સામાન્ય હકક મળ્યો ન હતો. તમે આ હક્કના હક્કદાર હતા, તે આપને આપવામાં આવ્યો છે. કોઇપણ વિકસિત દેશમાં મિલકત સંબંધિત હકની સરળતા છે, જેથી મિલકત પર હકક હોય તો તેને પડાવી લેવાની ધટના ઓછી બને છે.ગાંધીનગર શહેર વિસ્તારમાં સમાવિષ્ટ ઇન્દ્રોડા, બોરીજ, આદિવાડા, ફતેપુરા, ધોળાકુવા, પાલજ અને બાસણ ગામોના ગ્રામજનોને રહેણાંકની મિલકતો વર્ષોથી જે તે મિલકત ધારકોના કબજાવાળી અને કોઇ વાંધા-વિવાદ વગરની હોવા છતા તેના માલિકી હક્કના જટીલ પ્રશ્નો અનિર્ણિત હતા. ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર શ્રી કુલદીપ આર્ય દ્વારા તેમની દેખરેખ અને માર્ગદર્શન માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો. તે આધારે હક્ક ચોકસી અધિકારી દ્વારા આ અંગેની યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જેમાં ઇન્દ્રોડા, પાલજ, બાસણ, ફતેપુરા(સેકટર- ૧૫), બોરીજ, આદિવાડા, ધોળાકુવા એમ કુલ ૭ ગામમાંથી કુલ- ૪૩૬૧ મિલ્કત સંબંધિત અરજીઓ આવી હતી. આ અરજીઓ પર કલેકટરશ્રી, અધિક કલેકટરશ્રી અને હક્ક ચોકસી અધિકારીના માર્ગદર્શન હેઠળ યોગ્ય કાર્યવાહી
કરવામાં આવી હતી. જેમાંથી ઇન્દ્રોડાના ૪૦૪, પાલજના ૩૯૨, બાસણના ૭૩, ફતેપુરાના ૧૧૦, બોરીજના ૨૨૪, આદિવાડાના ૩૨૮, ધોળાકુવાના ૯૭ મળી કુલ- ૧૬ર૮ મિલ્કતના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. બાકી રહેલા મિલકત ધારકોને તેમના મિલકત કાર્ડ આપવા માટેની કાર્યવાહી હાલમાં ચાલું છે. ગાંધીનગર જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના હસ્તે આ સાત ગામમાંથી બે – બે મિલકત ધારાકોને જિલ્લા કલેકટર કચેરીના સમિતિ ખંડમાં મિલકત કાર્ડ અર્પણ કર્યા હતા.આ પ્રસંગે મંડળના પ્રમુખ શ્રી ભરતસિંહ બિહોલાએ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યકત કરીને જણાવ્યું હતું કે, જિલ્લા કલેકટરશ્રીના માનવતાવાદી નિર્ણય થકી આ સાતેય ગામના મિલકત ધારકાને ન્યાય મળ્યો છે. જે વાતથી સાત ગામના મિલકત ધારકોમાં આનંદ વ્યાપ્યો છે. આ મિલકત કાર્ડ થકી મિલકત ધારકો બેંકમાંથી લોન, કોર્ટ-પોલીસમાં જામીનગરી, સોલવંશી પ્રમાણપત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મિલકત ધારક તરીકેપોતાનું નામ દાખલ કરાવી શકશે. આ મિલકત કાર્ડ વિતરણ સમારંભમાં નિવાસી અધિક કલેકટર શ્રી એચ.એમ.જાડેજા, એસ.એસ.આર શ્રી એ.સી.ગામીતી, હક્ક ચોકસી અધિકારી શ્રીમતી ભાવનાબેન રબારી, મામલતદાર(જ.ફા) શ્રીમતી પંચાલ, શિરસ્તેદાર શ્રી ભરતભાઇ પંચાલ, મંડળના ઉપપ્રમુખ શ્રી ચંદુજી ઠાકોર, મહામંત્રી શ્રી બળદેવજી ઠાકોર અને અન્ય હોદ્દેદારો અને આમંત્રિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

બ્રેકીંગ ન્યૂઝ